
ગાંધીનગર : ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.64 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જયારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 59.42 ટકા જળ સંગ્રહ છે.
206 ડેમો પૈકી કુલ 28 ડેમ સંપૂર્ણ ભરાયા
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના લીધે 206 ડેમો પૈકી કુલ 28 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત 48 ડેમને હાઈ એલર્ટ, 19 ડેમને એલર્ટ તથા 23 ડેમને વોર્નીંગ આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 206 ડેમો પૈકી 62 ડેમ 70 ટકાથી 100 ટકા, 41 ડેમ 50 ટકાથી 70 ટકા તથા 38 ડેમ 25 ટકાથી 50 ટકા જેટલા ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.
નર્મદા ડેમમાં હાલ 59.42 ટકા જેટલો જળસંગ્રહ
જયારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 59.42 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ 1,98,503 એમ.સી.એફ.ટી. નોંધાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,40,817 એમ.સી.એફ.ટી પાણી સંગ્રહાયું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 61.06 ટકા જેટલું છે.
68.23 ટકા વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ
ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 25 જુલાઈ 2025ની સ્થિતિએ ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ 58. 38 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે 68. 23 ટકા વિસ્તારમાં ખરીફ–ચોમાસું પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.જેમાં સૌથી વધુ 19.42 લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં બીજા ક્રમે 19.62 લાખ હેકટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરાયું છે.
માછીમારોને 28 જુલાઇ સુધી દરિયો ન ખેડવા ચેતવણી
ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા અત્યાર સુધીમાં 10 જિલ્લામાંથી 4278 નાગરિકોનું સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 689 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને 28 જુલાઇ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો…ખેડૂતોને મોટી રાહત: ઉત્તર ગુજરાતના 950થી વધુ તળાવો અને સૌરાષ્ટ્રના ચેકડેમો નર્મદા જળથી છલકાશે