દેશના સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા મોટા રાજ્યોની સરખામણીમાં ગુજરાત પાંચમા ક્રમે | મુંબઈ સમાચાર
ગાંધીનગર

દેશના સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા મોટા રાજ્યોની સરખામણીમાં ગુજરાત પાંચમા ક્રમે

ગાંધીનગરઃ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સગર્ભા માતાઓને ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડવાના સતત પ્રયત્નોના પરિણામે રાજ્યમાં માતા મૃત્યુદરમાં પ્રતિ વર્ષ ઘટાડો નોંધાઈ રહ્યો છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) ૩.૧ અંતર્ગત વર્ષ ૨૦૩૦માં માતા મૃત્યુદર ૭૦થી ઘટાડવાનું લક્ષ્યાંક હતું. જે અંતર્ગત રાજ્ય સરકારનાં અસરકારક પગલાઓના પરિણામે ગુજરાતનો માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો છે. જે વર્ષ ૨૦૨૧માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૩, વર્ષ ૨૦૨૦માં ૫૭ તથા વર્ષ ૨૦૧૬માં ૯૧ હતો.

સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) ૨૦૨૧-૨૩મુજબ દેશનો માતા મૃત્યુદર ૮૮ નોંધાયેલ છે, જેમાં દેશના સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા તમામ મોટા રાજ્યોની સરખામણીમાં ગુજરાત પાંચમા ક્રમે છે. આ અંગે વધુ વિગતો એવી છે કે, માતા મૃત્યુદરમાં ઘટાડો કરવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના નેતૃત્વમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અનેક અસરકારક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જે અન્વયે સગર્ભાવસ્થાની વહેલી નોંધણી(ANC), ૪થી વધુ પૂર્વ પ્રસૂતિ તપાસ(૪ ANC), અતિ જોખમી લક્ષણો ધરાવતી માતાઓની વિશેષ કાળજી, સંસ્થાકીય પ્રસૂતિ, પ્રસૂતિ બાદની તપાસ અને માતા મૃત્યુનાં કારણોની વિસ્તૃત સમીક્ષા પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

સગર્ભા માતાઓને ચુકવવામાં આવે છે સહાય

ગત વર્ષ ૨૦૨૪-૨૫માં ખિલખિલાટ યોજના થકી ૧૯.૨ લાખ માતાઓ અને ૧૨.૫ લાખ નવજાત શિશુઓને લાભ આપવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૪-૨૫ થી અતિ જોખમી ચિહ્નો ધરાવતી સગર્ભા માતાઓ માટેની યોજનામાં કુલ ૧૯ પ્રકારના માપદંડો ધરાવતી સગર્ભા માતાઓને રૂ.૧૫,૦૦૦/-ની સહાય ચુકવવામાં આવે છે. તેમજ નમોશ્રી યોજનામાં કુલ ૧૧ પ્રકારના માપદંડો ધરાવતી સગર્ભા માતાઓને રૂ.૧૨,૦૦૦/-ની સહાય ચુકવવામાં આવે છે.

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન

રાજ્યમા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન(PMSMA) જૂન-૨૦૧૬થી શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો હેતુ જાહેર આરોગ્‍યની સંસ્‍થા દ્વારા સગર્ભાની, ખાસ કરીને જોખમી સગર્ભાઓની બીજી અને ત્રીજી તપાસના સમયગાળામાં નિષ્‍ણાંત દ્વારા પૂર્વ પ્રસૂતિ તપાસ કરાવી જરૂરી સેવાઓ પૂરી પાડવાનો છે. જેમાં દર માસની ૯મી અને ૨૪મી તારીખે જાહેર આરોગ્‍ય સંસ્‍થાઓ પર PMSMA અભિયાન અંતર્ગત ૫૦૨ ખાનગી ગાયનેકોલોજીસ્ટ દ્રારા સેવા પુરી પાડવામાં આવે છે.

સરકારની આ છે યોજનાઓ

માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ માતા આરોગ્યલક્ષી યોજનાઓને અમલમાં મૂકવામાં આવી છે, જેમાં જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, એક્સ્ટેન્ડેડ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, ખિલખિલાટ અતિ જોખમી ચિહ્નો ધરાવતી સગર્ભા માતાઓ માટેની યોજના, નમોશ્રી યોજના વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો…ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલા વેચાણ પર પ્રતિબંધ લંબાવાયો

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button