ગાંધીનગર

Gujarat માં આંદોલનની તૈયારી,  પંચાયત હસ્તકના આરોગ્યકર્મીઓ સોમવારથી અચોક્કસ મુદતની હડતાલ પર

ગાંધીનગર :  ગુજરાતના(Gujarat)પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય શાખા હેઠળના તમામ કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે તેવી જાહેરાત જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરના પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓના પ્રશ્નોનો ઉકેલ ન આવતા ઠેર ઠેર વિરોધ કરાઇ રહ્યો છે ત્યારે વિવિધ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર વિગેરે હડતાલમાં જોડાશે તેમ મહાસંઘ દ્વારા જણાવાયું હતું.

આ પણ વાંચો: Gandhinagar કોર્પોરેશને 27 મંદિરો તોડવા નોટિસ પાઠવી, હિંદુ સંગઠનોની આંદોલનની ચીમકી

7 માર્ચથી આરોગ્ય કર્મીઓ દ્વારા આંશિક રીતે કામગીરીનો બહિષ્કાર

 7 માર્ચથી આરોગ્ય કર્મીઓ દ્વારા આંશિક રીતે કામગીરીનો બહિષ્કાર પણ કરાયો છે. મહાસંઘ દ્વારા જણાવાયું છે કે ફિક્સ અને નિયમિત પગાર ધોરણમાં સમાવેશ થયા છે તેવા કર્મચારીઓ માટે રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા મુખ્યપ્રધાનથી લઇને સંબંધિત પ્રધાનોને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી પ્રશ્નોનો ઉકેલ લવાયો નથી.

કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાશે

આરોગ્ય કર્મીઓની મુખ્ય માગણીઓમાં તમામ સંવર્ગનો ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવો, ગ્રેડ-પે પગાર સુધારણા, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અને આ કેડરના નાણાકીય અને વહીવટી પ્રશ્નો યથાવત છે. અગાઉ પણ હડતાલ સમયે પડતર પ્રશ્નો અંગે ચર્ચા બાદ પણ તેનો કોઇ ઉકેલ લાવવામાં આવ્યો નથી. તેને ધ્યાનમાં રાખતા 17 માર્ચથી ગાંધીનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા હેઠળના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાશે.

 17 માર્ચે ગાંધીનગર હાજર રહેવા અપીલ

આ તમામ કર્મીઓને તેમાં જોડાવા માટે પણ જણાવાયું છે. તમામ જિલ્લાના આરોગ્યકર્મીઓને હડતાલમાં જોડાવવા માટે આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા સૂચના આપવામાં આવી છે. જે તે વિસ્તારના ધારાસભ્ય અને સાંસદોને તેમજ જિલ્લાઓમાં પણ કર્મચારીઓની માગણી અંગે આવેદનપત્ર પાઠવવામાં આવશે. 17 માર્ચે ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે પણ રાજ્યભરના કર્મચારીઓને મહાસંઘ દ્વારા અપીલ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button