ગુજરાત સરકારની આર્થિક હાલત ખરાબ હોવાથી પોલીસોનો પગાર મોડો થશે? જીતુ વાઘાણીએ શું કહ્યું ?

ગાંધીનગરઃ ગુજરાતની આંતરિક સુરક્ષાની જવાબદારી જેમના શીરે છે એવા પોલીસ તંત્ર માટે માઠા સમાચાર છે. સરકારે એક પરિપત્ર બહાર પાડીને જાહેર કર્યું છે કે, ડિસેમ્બર 2025ના પગાર બિલ સમયસર થઈ શકે એમ નથી એટલે નવા વર્ષ જાન્યુઆરી માસમાં ડિસેમ્બરનો પગાર થઈ શકશે નહીં. આ સંદર્ભે સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓને સમયસર પગાર થાય એ માટે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સંબંધિત તંત્રને જરૂરી સૂચના આપશે.
કોંગ્રેસે શું કહ્યું
કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ તીખી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે, તહેવારો અને ઉત્સવોના નામે કરોડોના આંધણ કરી ગુજરાતને ચાર લાખ કરોડ કરતાં વધુનું દેવું કરનાર સરકાર પોલીસ જેવા તંત્રનો પગાર સમયસર કરી શકે એમ નથી. આનાથી એક લાખ લોકોને સીધી અસર થશે.

આ ઉપરાંત ડો.દોશીએ જણાવ્યું કે, સરકારના દેવાળીયા વહીવટનો આ વધુ એક પુરાવો છે. રાજ્યની સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની જાળવણી કરતા પોલીસ કર્મચારીઓના પગાર પત્રક મુજબ ગ્રાન્ટ ફાળવી શકાય એમ નથી એવુ પરિપત્રમાં જણાવાયું છે. તેમાં કહેવાયું છેકે તમામ કર્મચારીઓ, અધિકારીઓને જણાવવાનું કે ગ્રાન્ટના અભાવે માહે ૧૨/ ૨૦૨૫નો પગાર વિલંબથી થશે. સરકાર તાયફા કરે છે એના માટે પૈસા છે, પરંતુ પોલીસ કર્મચારીઓના પગાર માટે ગ્રાન્ટનો અભાવ કેવી રીતે આવ્યો ? સરકારની તિજોરી પર એવું તો કોનું ભારણ છે એવો પ્રશ્ન તેમણે સરકારને પૂછ્યો હતો.
ગુજરાત પોલીસ દ્વારા એક પરિપત્ર બહાર પાડીને જણાવવામાં આવ્યું કે, અત્રેની કચેરી તથા અત્રેના તાબામાં આવતી કચેરીઓ જેવી કે અડીજીપી ઈન્ટેલીજન્સ વિભાગ, સીઆઈડી ક્રાઈમ અને રેલવે, તકનીકી સેવાઓ, હથિયારી એકમો, એસીઆરબી ગાંધીનગર, તમામ પોલીસ કમિશનરની કચેરીઓ, તમામ રેન્જ કચેરીઓ, તમામર પોલીસ અધિક્ષકરની કચેરીઓ, તમામ સેનાપતિની કચેરીઓમાં ગ્રાન્ટના અભાવે ડિસેમ્બર 2025ના પગાર બિલો નિયત તા. 23-12-2025 સુધીમાં તિજોરી, પગાર અને હિસાબી અધિકારીની કચેરીમાં ગ્રાન્ટના અભાવે નિયત સમય-મર્યાદા બાદ પગાર બિલ વિલંબથી દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.



