ગુજરાત પોલીસ ક્રાઈમ ડીટેન્શન અને કોમ્યુનિટી આઉટરીચમાં પણ અવ્વલ…

ગાંધીનગરઃ દિવસીય રાજ્યસ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાત પોલીસ ક્રાઈમ ડીટેન્શન અને કોમ્યુનિટી આઉટરીચમાં પણ અવ્વલ છે.
શું બોલ્યા ભૂપેન્દ્ર પટેલ
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ વધુ સુદ્રઢ થાય અને પ્રજાને પોલીસ સાથે જોડાવામાં કોઈ તકલીફ ન રહે તેવા સંગીન વાતાવરણ નિર્માણ માટે રાજ્ય પોલીસ દળના વરિષ્ઠ અધિકારીઓને આહવાન કર્યું હતું. તેમણે કહ્યું પ્રજા સાથેનો સુદ્રઢ સંપર્ક અને પ્રજાનો પોલીસ પરનો વિશ્વાસ એ જ ક્રાઇમ કંટ્રોલ માટેની આપણી આઇ.બી. છે.
મુખ્ય પ્રધાને આ સંદર્ભમાં કહ્યું કે, ગુજરાતમાં જે શાંતિ, સલામતી અને સુરક્ષા છે તેના પરિણામે આપણે વિકાસના રોલ મોડલ રાજ્ય તરીકેનું ગૌરવ મેળવ્યું છે. એટલું જ નહીં, ગ્લોબલ કંપનીઝ અને ઉદ્યોગો પણ રાજ્યની આ શાંતિ સુરક્ષાની સ્થિતિને કારણે જ વેપાર-ઉદ્યોગ માટે ગુજરાત પર પસંદગી ઉતારે છે. તેમણે આનો શ્રેય રાજ્ય પોલીસની સતર્કતા, ફરજ નિષ્ઠા અને કર્તવ્ય ભાવનાને આપતા પોલીસ દળને અભિનંદન પાઠવ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે આ રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સને રાજ્યના પ્રજાજનોના ભલા માટે, સલામતી અને સુરક્ષા માટેનું નવું વિચાર ચિંતન-મંથન પૂરું પાડનારું આયોજન ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ગુજરાત પોલીસ ગુનાખોરી નિયંત્રણ અને નિવારણ માટે ટેકનોલોજીના ઉપયોગથી સજ્જ છે. પરંતુ ગુનો આચરનારાઓ પણ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે. આ પડકારને પહોંચી વળવા પોલીસ બેડામાં સતર્કતા સાથે વધુને વધુ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી બન્યો છે તેમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
તેમણે પોલીસ દળમાં એ.આઈ.નો ઉપયોગ, કોસ્ટલ સિક્યુરિટી, સાયબર ક્રાઈમ અટકાવવાની શ્રેષ્ઠ કામગીરી અંગે પણ આ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, પોલીસ દળની પ્રજાલક્ષી નીતિઓ, પોલીસિંગ સહિતની વ્યવસ્થાઓનો છેક ગ્રામ્ય સ્તર સુધી સમાન રીતે પહોંચે તે પણ વરિષ્ઠ અધિકારીઓએ સુનિશ્ચિત કરવું જોઈએ.
મુખ્ય પ્રધાને ડ્રગ્સના વ્યસને ચડેલા યુવાઓને સજા કરતાં પ્રેમથી સમજાવવીને કાઉન્સેલીંગથી પાછા વાળી શકાય તે દિશામાં પણ પોલીસ કાર્યરત અને તે અંગેનું ફળદાયીચિંતન-મંથન આ બેઠકમાં થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થાની જાળવણી ઉપરાંત ક્રાઈમ ડિટેક્શન-પ્રિવેન્શન તેમજ કોમ્યુનિટી આઉટ્રીચ સહિતના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે. સામાજિક સમસ્યાઓ સામે, અસામાજિક તત્વો સામે અને સાયબર ગુનેગારો સામે ગુજરાતે રીતસરનો હલ્લાબોલ બોલાવીને અદ્દભુત કામગીરી કરી છે, તે બદલ ગુજરાત પોલીસની સમગ્ર ટીમને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતા.
હર્ષ સંઘવીએ બે દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ દરમિયાન જુનિયર આઇપીએસ અધિકારીથી માંડીને સિનિયર આઇપીએસ તમામ અધિકારી દ્વારા રજૂ કરવામાં આવનાર નવા વિષયો અને બેસ્ટ પ્રેક્ટિસિસને મુક્ત મને સ્વીકારવા આહવાન કરતા ઉમેર્યું હતું કે, જ્યારે આ રાષ્ટ્રીય સ્તરની ક્રાઈમ કોન્ફરન્સનો આયોજન કરવાનો વિચાર કર્યો ત્યારે તમામ શહેર/જિલ્લાના ડીસીપી/એસપી કક્ષાના અધિકારીઓનો પણ સમાવેશ કરવા ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી આ કોન્ફરન્સ થકી તેમના આઇડિયા શેરિંગ થાય અને તેમના દ્વારા કરવામાં આવી રહેલા ટેક્નોલોજીના ઉપયોગ તથા તેમને અલગ અલગ ક્ષેત્રે કરેલા નવા પ્રયાસોનું પરસ્પર આદાન પ્રદાન થાય.
રાજ્યના મુખ્ય સચિવ એમ.કે.દાસે જણાવ્યું હતું કે, રાજ્યમાં યોજાતી ક્રાઈમ કોન્ફરન્સિસની ખૂબ જ અગત્યતા છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાયેલી DG-IG કોન્ફરન્સમાં થયેલી ચર્ચાના અગત્યના મુદ્દાઓની માહિતી ડાઉન ધ લાઇન ફિલ્ડ ઑફિસર સુધી પહોંચે તે માટે પણ આ કોન્ફરન્સમાં ચર્ચા થશે. તે ઉપરાંત બોર્ડર સિક્યુરિટી, કોસ્ટલ સિકયુરિટી, લૉ એન્ડ ઓર્ડર, ક્રાઈમ ડિટેક્શન પ્રિવેન્શન, ઈન્વેસ્ટિગેશન તેમજ ઓપરેશન સહિતની તમામ મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવશે.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, ક્લોઝ કોઓર્ડિનેશન માટે ખૂબ અગત્યની એવી આ બે દિવસીય રાજ્યસ્તરીય ક્રાઈમ કોન્ફરન્સમાં તમામ શહેર, રેન્જના વિવિધ જિલ્લાઓ દ્વારા બેસ્ટ પ્રેક્ટિસિસ અંગે પ્રેઝન્ટેશન સાથે જરૂરી ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત સાયબર ક્રાઈમ, નાર્કોટિક્સ સહિતના વર્તમાન સમયના પડકારો અને તેના નિવારણ પર પણ ઊંડાણ પર ચર્ચા કરવામાં આવશે. ગુજરાત પોલીસના દરેક એકમોમાં શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે જે પ્રસંશનીય છે. તેમ છતાં દરેક વ્યવસ્થાઓમાં સુધારણાને અવકાશ રહે છે, જે ત્યારે જ થઈ શકે જ્યારે આત્મમંથન અને સમીક્ષા થાય અને આ સમીક્ષા અને આત્મમંથન માટે ક્રાઈમ કોન્ફરન્સ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થાય છે.



