ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતાઃ NAFIS સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુના ઉકેલ્યા

ગાંધીનગરઃ રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા ગંભીર ગુનાનો ઉકેલવામાં સફળતા મેળવી હતી. ગુજરાત પોલીસે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી સ્માર્ટ અને પ્રોફેશનલ પોલિસિંગની દિશામાં વધુ એક ડગલું ભર્યું છે.
નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (NAFIS) પોર્ટલનો ઉપયોગ કરીને ગુજરાત પોલીસે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ૮૦ જેટલા મહત્વના ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે, જે ગુજરાત પોલીસની હાઈ ટેક-પોલિસિંગની દિશામાં મોટી સિદ્ધિ દર્શાવે છે.
આપણ વાંચો: પ્રાસંગિક : આધુનિક યુદ્ધમાં ખરું ‘ડોન’ તો છે ડ્રોન!
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું છે કે, આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ બનાવશે. ગુજરાત પોલીસ સ્માર્ટર અને પ્રોફેશનલ પોલીસિંગ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ છે.
અલગ- અલગ ગંભીર ગુનાઓમાં ધરપકડ કરાયેલા ગુનેગારોના ફિંગરપ્રિન્ટ્સનો ડેટાબેઝ નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમમાં સમાવવામાં આવ્યો છે, જેમાં રાષ્ટ્રીય સ્તરે અંદાજે 1.20 કરોડથી વધુ ગુનેગારોનો ડેટા સંગ્રહાયેલો છે. ગુજરાત પોલીસ પણ આ સિસ્ટમમાં સક્રિયપણે યોગદાન આપી રહી છે, જેમાં રાજ્યના 22 લાખથી વધુ ગુનેગારોનો ડેટા સામેલ છે.
આપણ વાંચો: દિલ્હીથી કાશ્મીરને જોડતી પાંચ આધુનિક ટ્રેન શરુ કરાશેઃ ટ્રેનમાં ‘આ’ વિશેષ સુવિધા હશે…
NAFISની સફળતા: 48 કલાકમાં મુંબઈથી આરોપી ઝડપાયો
NAFIS સિસ્ટમની કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં સામે આવ્યું છે, જેમાં અમદાવાદના એક ગુનાનો આરોપી મુંબઈથી માત્ર 48 કલાકમાં ઝડપાયો હતો. અમદાવાદની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલા એક કેસમાં જ્યારે ઘટનાસ્થળેથી ફિંગરપ્રિન્ટ લેવામાં આવી અને તેને NAFISમાં અપલોડ કરવામાં આવી, ત્યારે તેનું મેચિંગ થતાં જ સીધો મેસેજ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને મળ્યો.
તુરંત જ ગુજરાતના DGP વિકાસ સહાય દ્વારા મુંબઈ પોલીસ કમિશનરનો સંપર્ક કરવામાં આવ્યો અને આરોપી અંગેની વિગતો શેર કરવામાં આવી.
આ ઝડપી સંકલન અને કાર્યવાહીના પરિણામે, મુંબઈ પોલીસે માત્ર 48 કલાકમાં આરોપીને શોધી કાઢ્યો અને તેને ગુજરાત પોલીસને સોંપ્યો હતો. ગુજરાત પોલીસના આ ટેક-આધારિત અભિગમ આધારે આરોપી મુંબઈથી પકડાઈ ગયો ગયો.
મુંબઈ પોલીસે આરોપીને ૪૮ કલાક શોધીને ગુજરાત પોલીસને સોંપી દેતા રાજ્યના પોલીસ વડાવિકાસ સહાય દ્વારા મુંબઈ પોલીસની આ સમગ્ર ટીમને અભિનંદન પાઠવીને પ્રશંસાપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે.