ગુજરાત પોલીસની નવતર પહેલ, કાફલામાં 50 ક્યુઆરટી બાઈકનો કર્યો ઉમેરો | મુંબઈ સમાચાર
ગાંધીનગર

ગુજરાત પોલીસની નવતર પહેલ, કાફલામાં 50 ક્યુઆરટી બાઈકનો કર્યો ઉમેરો

ગાંધીનગરઃ ગુનાખોરી અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા તથા ક્વિક રિસ્પોન્સ માટે ગુજરાત પોલીસે એક નવતર પહેલ કરી હતી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા આજે ગાંધીનગર સચિવાલય ખાતેથી 50 ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) વિહિકલ-બાઈકને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ અત્યાધુનિક બાઈકને ગુજરાત પોલીસ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે.

આ બાઈકનો મુખ્ય ઉદ્દેશ ગુનાખોરીને અટકાવવા, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને પોલીસ વાનને જ્યાં પહોંચવામાં સમય લાગે તેવા સંવેદનશીલ સ્થળો પર તાત્કાલિક પહોંચીને કાર્યવાહી કરવાનો છે. આ બાઈક ગુનાખોરી અને ટ્રાફિક જેવી સમસ્યાઓમાં ક્વિક રિસ્પોન્સ આપવા માટે તૈયાર કરાયા છે.

આપણ વાંચો: નવરાત્રી પાસના નામે છેતરાતા નહીં, ગુજરાત પોલીસે પહેલેથી ચેતવ્યા છે ખેલૈયાઓને…

QRT બાઈક હોન્ડા કંપનીના સહયોગથી તૈયાર કરવામાં આવ્યા છે અને તેમાં કેટલીક વિશેષતાઓ ઉમેરવામાં આવી છે. ૩૫૦ સીસીના આ બાઈકમાં ડ્યુઅલ ટોન સાયરન, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, 360 ડિગ્રી વિઝિબિલિટી માટે રીઅર ડોમ્સ, ફ્રન્ટ પોલિકાર્બોનેટ વિન્ડશીલ્ડ, સી હોક લાઈટ્સ, અને સાઈડ તેમજ ટોપ બોક્સ જેવા ફિચર્સ છે. આ ઉપરાંત, બાઈકમાં પાછળના ભાગમાં બેન્ડેબલ બેટન છે જેમાં પોલીકાર્બોનેટ લેન્સવાળી લાઈટ પણ છે.

આ પહેલ પોલીસની ગતિશીલતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાની સાથે સાથે નાગરિકોની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button