
ગાંધીનગર: ગુજરાત આજે દેશનું વિકાસ મોડલ છે. રાજ્યના પાંચ મોટા શહેરોનું ભારણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. આ ભારણ ઘટડાવા અને શહેરી વિસ્તરણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો હતો. જે મુજબ રાજ્યના પાંચ મુખ્ય શહેરો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ નજીકના નગરોને સંપૂર્ણ વિકસિત સેટેલાઇટ ટાઉનમાં પરિવર્તિક કરવામાં આવશે.
કયા પાંચ શહેરનો થયો છે સમાવેશ
મળતી વિગત પ્રમાણે, રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને ઝડપી બનાવવા અને આ નવા કેન્દ્રો તેમના સંબંધિત મૂળ શહેરોની સમાંતર વિકાસ પામે તે માટે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી હતી. ઓક્ટોબરમાં બહાર પાડવામાં આવેલા સરકારી નોટિફિકેશન મુજબ, આ પાંચ નવા સેટેલાઇટ ટાઉનમાં ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ હેઠળ કલોલ, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ હેઠળ સાણંદ વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ હેઠળ સાવલી, સુરત શહેરી વિકાસ સત્તામંડળ હેઠળ બારડોલી અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ હેઠળ હીરાસરનો સમાવેશ થાય છે.
એક ઉચ્ચ સ્તરીય સમિતિ ભવિષ્યલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આયોજન, આધુનિક જાહેર પરિવહન જોડાણો અને મુખ્ય શહેરો તેમજ તેમના સેટેલાઇટ સમકક્ષો વચ્ચે સુમેળભર્યા વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
સમિતિના અન્ય સભ્યોમાં મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર, તમામ મ્યુનિસિપલ કમિશનરો, શહેરી વિકાસ સત્તામંડળોના સીઇઓ, અને પ્રવાસન, ઉદ્યોગો અને ખાણ, નાગરિક ઉડ્ડયન, આવાસ અને શિક્ષણ જેવા મુખ્ય વિભાગોના લગભગ દસ અગ્ર સચિવોનો સમાવેશ થાય છે. વિકાસને વેગ આપવા માટે, રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે પ્રારંભિક ₹50 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે.
સૂત્રોએ જણાવ્યું કે આ પગલું ગુજરાતની લાંબા ગાળાની શહેરી પરિવર્તન વ્યૂહરચનામાં એક નોંધપાત્ર પગલું છે. તેઓએ ઉમેર્યું કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને અન્ય શહેરોની નજીકના વસ્તી ગણતરી વૃદ્ધિવાળા ગામો સહિત વધુ વિસ્તારોને ટૂંક સમયમાં શહેરી વિકાસ સત્તામંડળોના કાર્યક્ષેત્રમાં લાવવામાં આવી શકે છે. આમ કરવાથી મુખ્ય શહેર કેન્દ્રો પરનું ભારણ તો ઓછું થશે જ, પરંતુ સંતુલિત વિકાસ અને રોકાણના નવા ક્ષેત્રો પણ ઊભા થશે.
*સાણંદ સેમિકન્ડક્ટર હબ બનવાની તૈયારીમાં
એક સમયે શાંત નગર ગણાતું સાણંદ – અમદાવાદથી માત્ર 22 કિમી દૂર છે. જે ગુજરાતના સૌથી ઝડપથી વિકસતા ઔદ્યોગિક કોરિડોર તરીકે ઉભરી આવ્યું છે. ટાટા મોટર્સની હાજરી સાથે અહીં કોકા-કોલા, હિટાચી, કોલગેટ અને નેસ્લે સહિત 50થી વધુ મલ્ટિનેશનલ કંપનીઓ છે. હવે, સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજી, સીજી પાવર અને કેયન્સ સેમીકોન જેવી વૈશ્વિક જાયન્ટ્સ યુનિટ સ્થાપી રહ્યા હોવાથી ભારતનું સેમિકન્ડક્ટર હબ બનવાની તૈયારી કરી રહ્યું છે.
કલોલ આગામી ગ્રોથ એન્જિન તરીકે ઉભરશે
ઔડા 2010થી કલોલને મુખ્ય વિકાસ કેન્દ્ર તરીકે વિકસાવી રહ્યું છે, જેનો હેતુ સાણંદથી કલોલને જોડતો ઔદ્યોગિક કોરિડોર બનાવવાનો છે. આ કોરિડોર ઔદ્યોગિક વિસ્તરણને કામદારો માટે આયોજિત રહેણાંક ઝોન સાથે સંતુલિત કરવા માટે રચાયેલો છે. અત્યાર સુધીમાં, કલોલ અને બોરીસણા, પાલસણા, અરસોડિયા પ્રતાપપુરા, સઈજ અને ધનાજ જેવા નજીકના ગામોમાં 11 ટીપી (ટાઉન પ્લાનિંગ) યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ઔડા સાણંદ-કાલોલ-જસપુર પટ્ટામાં 16 જેટલી ટીપી યોજનાઓનું આયોજન કરી રહ્યું છે.
સાવલી ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઉભરશે
સાવલીને સેટેલાઇટ ટાઉન જાહેર કરવાથી વડોદરા શહેરી વિકાસ સત્તામંડળનું કાર્યક્ષેત્રનું વિસ્તરણ થવાની અપેક્ષા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડોદરા શહેરથી લગભગ 31 કિમી દૂર આવેલો આ વિસ્તાર છેલ્લા કેટલાક વર્ષોમાં એલ્સ્ટોમ, શેફલર, એબીબી અને થર્માક્સ જેવી અગ્રણી કંપનીઓને આશ્રય આપીને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યો છે.
બારડોલીને મળશે નવી ઓળખ
સુરતનું વિસ્તરણ પૂર્વ તરફ આગળ વધતાં, શહેરથી લગભગ 33 કિમી દૂર આવેલું બારડોલી નવી જાહેર કરાયેલી સુરત ગ્રોથ હબ યોજના હેઠળ એક મુખ્ય વિકાસ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. તેના મજબૂત સહકારી નેટવર્ક અને એનઆરજી (બિન-નિવાસી ગુજરાતી) આધાર માટે જાણીતું, બારડોલીમાં પહેલેથી જ એક મોટી ખાંડ મિલ અને ખાનગી યુનિવર્સિટી સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. સૂત્રો મુજબ સુરત-નવસારી વિસ્તારની જેમ જ સુરત-બારડોલી કોરિડોર વિસ્તરણ માટે તૈયાર
હીરાસર પણ આધુનિક પરિવર્તન માટે તૈયાર
એક સમયે અજાણ્યું ગામ ગણાતું હીરાસર હવે રાજકોટના નવા ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યા પછી એક મુખ્ય વિકાસ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. રાજકોટ જિલ્લાના કાર્યક્ષેત્રમાં લાવવામાં આવેલા આ વિસ્તારમાં હવે પોતાનું એરપોર્ટ પોલીસ સ્ટેશન અને જામનગર, મોરબી અને જૂનાગઢ સુધીના સારા રોડનું નેટવર્ક છે. સૂત્રો મુજબ હીરાસર એરપોર્ટથી રિયલ એસ્ટેટ, ઔદ્યોગિક અને વ્યાપારી વિસ્તરણને વેગ મળી શકે છે. જે તેને રાજકોટના સંભવિત જોડિયા શહેર અને ભાવિ વિકાસ કોરિડોર તરીકે સ્થાન આપશે.
 


