ગુજરાત @ 75: ‘વિકસિત ગુજરાત’નો એજન્ડા જાહેર, 10 વર્ષમાં 75 લાખ નોકરીનું લક્ષ્ય

ગાંધીનગર: વર્ષ 2035માં ગુજરાતની સ્થાપનાના સીમાચિહ્નરૂપ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે રાજ્ય માટે આવનારા દાયકામાં વિકાસની રૂપરેખા નક્કી કરવા માટે ગુજરાત સરકારે આજે ‘ગુજરાત@75: એજન્ડા ફોર 2035’ ડોક્યુમેન્ટનું અનાવરણ કર્યું હતું.
આ રિપોર્ટનું અનાવરણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ માઇલસ્ટોન ગુજરાતની સિદ્ધિઓની ઉજવણી અને ભવિષ્ય માટે રાજ્યની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત@2047ના વિઝન સાથે સુસંગત છે.
મુખ્ય પ્રધાને જણાવ્યું કે આ એજન્ડા આગામી દાયકામાં ગુજરાતની દરેક વ્યક્તિ માટે ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ (સારી કમાણી, સારું જીવન)નું લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં સરકારના પ્રયાસોની સમીક્ષા કરશે.
આપણ વાંચો: ગુજરાતમાં સીએમ Bhupendra Patelની સરકારના ત્રણ વર્ષ પૂર્ણ, મેળવી આ સિદ્ધિઓ
‘સમૃદ્ધ રાજ્ય; સમર્થ નાગરિક’ના સૂત્રને સાકાર કરવા પ્રતિબદ્ધ
‘એજન્ડા ફોર 2035’ રિપોર્ટમાં ગુજરાતની 75મી વર્ષગાંઠ નિમિત્તે રાજ્યના લક્ષ્યો અને તેને પ્રાપ્ત કરવા માટેની વ્યૂહરચનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનો હેતુ રાજ્યમાં આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય, ઉદ્યોગસાહસિકતા, માળખાગત સુવિધા અને પર્યાવરણીય ટકાઉપણું વગેરે ક્ષેત્રોને વેગ આપવાનો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં સંતુલિત અને સમાવિષ્ટ વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. તે “સમૃદ્ધ રાજ્ય; સમર્થ નાગરિક” સૂત્રને સાકાર કરવા માટેની પ્રતિબદ્ધતા સૂચવે છે.
રાજ્યના શિક્ષિત અને કુશળ યુવાનો ગુજરાતના વિકાસનો મુખ્ય પાયો છે, એટલે રાજ્ય તેમને સશક્ત કરવા પર ભાર મૂકશે. વર્ષ 2035 સુધીમાં ગુજરાતના દરેક બાળકને આધુનિક, ભવિષ્યલક્ષી શિક્ષણની સુવિધા મળશે. 7,500 શાળાઓમાં AI-આધારિત શિક્ષણ શરૂ કરવામાં આવશે, અને 75 એડવાન્સ્ડ સ્કિલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે જેથી 75 લાખ સ્કીલ નોકરીઓનું સર્જન થાય.
રાજ્યનો ઉદ્દેશ દરેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ આપવાનો, મૅડિકલ કોલેજોની સંખ્યા વધારવાનો, એક વ્યાપક ડિજિટલ આરોગ્ય નેટવર્ક સ્થાપિત કરવાનો અને દરેક પરિવાર માટે આરોગ્ય વીમા કવરેજ સુનિશ્ચિત કરવાનો છે. આ પગલાં ગુજરાતનું આરોગ્ય ક્ષેત્ર સુદ્રઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આપણ વાંચો: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ
ક્લીન એનર્જી અને હરિત ભવિષ્યને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય
ગુજરાત ક્લીન એનર્જી અને હરિત ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. આગામી 10 વર્ષમાં ગુજરાત 750 જગ્યાઓને હરિયાળી બનાવી અર્બન લંગ્સ તરીકે વિકસાવશે. રાજ્યમાં 7,500 મિયાવાકી જંગલો બનાવાશે, 75% મ્યુનિસિપલ ગંદા પાણીનું રિસાયકલ કરવામાં આવશે અને 75 આઇકોનિક બિલ્ડિંગ્સનું નિર્માણ પણ કરાશે. ડિજિટલ ગવર્નન્સ અને ઈ-સેવાઓ દરેક નાગરિકને સશક્ત બનાવશે.
સમૃદ્ધ ખેડૂતો અને ગ્રામીણ વિકાસ: પાકની ગુણવત્તામાં સુધારો, મૂલ્યવર્ધન અને એગ્રો-પ્રોસેસિંગ દ્વારા ખેડૂતોની આવક વધશે, જે ગ્રામીણ સમૃદ્ધિને વેગ આપશે.
ગુજરાત ગ્રીન એનર્જી અને નેટ ઝીરો લક્ષ્યાંક માં અગ્રેસર બનવાનું લક્ષ્ય ધરાવે છે. રાજ્યનું લક્ષ્ય આગામી દાયકામાં ગ્રીન એનર્જીને સંચાલિત કરવાનું છે, જેમાં હાઇડ્રોજન પ્લાન્ટ, 75 ગીગાવોટ પવન ઉર્જા, 7,500 ઇલેક્ટ્રિક બસો અને સૌર ઊર્જાના વ્યાપક ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ટકાઉ વિકાસને તો પ્રોત્સાહન આપશે, સાથે હજારો રોજગારીનું પણ સર્જન કરશે.
ગુજરાત નવીનતા અને ઉદ્યોગસાહસિકતા કેન્દ્ર તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરશે: 2035 સુધીમાં, ગુજરાત નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના નવા આયામો સર કરીને, સ્ટાર્ટ-અપ્સ અને સાહસોને પ્રોત્સાહન આપીને ભારતનું ઇનોવેશનન પાવરહાઉસ બનશે.
મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી રાજ્ય નવા શિખરો સર કરશે: ગુજરાત ₹7.5 લાખ કરોડનું રોકાણ કરીને રસ્તાઓ, સિંચાઈ, બંદરો, પરિવહન, પાણી અને ઊર્જા પુરવઠામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે.
4I- ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન, ઈન્ડિવિજ્યુઅલ્સ અને ઇન્સ્ટિટ્યૂશન્સ
ગુજરાતની આ યોજના- “4I” એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાગત સુવિધા), ઇનોવેશન (નવીનતા), ઈન્ડિવિજ્યુઅલ્સ (વ્યક્તિઓ) અને ઇન્સ્ટિટ્યૂશન્સ (સંસ્થાઓ) પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 2035 માટેનો એજન્ડા આગામી દાયકામાં નીતિ અને અમલીકરણ માટે સ્પષ્ટ અને પરિણામલક્ષી માર્ગદર્શન પૂરું પાડે છે.