
ગાંધીનગરઃ ગુજરાત સરકાર ઐતિહાસિક કાયદો લાવી રહી છે. જે અંતર્ગત મહેસૂલના 16 જૂના કાયદાઓ રદ કરી એક જ ‘અમ્બ્રેલા એક્ટ’ અમલી બનાવવાની તૈયારી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રો મુજબ, ગુજરાત સરકાર રાજ્યના જટિલ મહેસૂલી વહીવટને સુવ્યવસ્થિત કરવા માટે એક સર્વગ્રાહી ‘ગુજરાત લેન્ડ એડમિનિસ્ટ્રેટિવ એક્ટ’ (Gujarat Land Administrative Act) લાવવાની તૈયારી કરી રહી છે. આ પ્રસ્તાવિત ‘અમ્બ્રેલા એક્ટ’ (છત્ર સમાન કાયદો) હાલમાં અમલમાં રહેલા 16 જેટલા મહેસૂલ સંબંધિત કાયદાઓનું સ્થાન લેશે. રાજ્યના મહેસૂલી માળખાની સમીક્ષા કરવા અને વહીવટને સરળ બનાવવા માટે ગયા મહિને રચાયેલી એક સમિતિની વિચારણા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
કેમ પડી એક જ કાયદાની જરૂર?
મંગળવાર અને બુધવારે યોજાયેલી બે દિવસીય વિચારણા બેઠકમાં સમિતિએ તારણ કાઢ્યું હતું કે, જમીન અને મહેસૂલની બાબતો માટે અલગ-અલગ અનેક કાયદાઓ હોવાથી પ્રક્રિયામાં જટિલતા વધે છે અને વારંવાર કાયદાકીય વિવાદો સર્જાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચર્ચા દરમિયાન એવું અનુભવાયું કે એક ડઝનથી વધુ એક્ટ હોવાને કારણે અમલીકરણમાં મુશ્કેલી અને લિટિગેશન (કોર્ટ કેસો) વધે છે. તેથી, હાલમાં અમલમાં રહેલા અંદાજે 16 કાયદાઓની જોગવાઈઓને સમાવીને એક જ કાયદો બનાવવાની ભલામણ કરવામાં આવી હતી.
વહીવટ વધુ કાર્યક્ષમ અને નાગરિકલક્ષી બનશે
પ્રસ્તાવિત કાયદાનો ઉદ્દેશ્ય જમીન રેકોર્ડ, મહેસૂલ વહીવટ અને સંબંધિત પ્રક્રિયાઓને એક જ વૈધાનિક માળખા હેઠળ લાવવાનો છે. આનાથી મહેસૂલ શાસન વધુ કાર્યક્ષમ, પારદર્શક અને નાગરિકલક્ષી બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012માં પણ આવો પ્રયાસ થયો હતો, પરંતુ ત્યારે તે દરખાસ્ત પડતી મૂકવામાં આવી હતી. હવે સરકાર આ બાબતે મક્કમ જણાય છે.
આ બાબતની તપાસ માટે નિવૃત્ત IAS અધિકારી સી.એલ. મીનાના અધ્યક્ષપદે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિને મહેસૂલ વિભાગના તમામ કાયદાઓ, નિયમો અને ઠરાવોની વ્યાપક સમીક્ષા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત, બિલ્ડરો, વકીલો અને વિવિધ એસોસિએશનોની રજૂઆતોને ધ્યાને રાખીને જરૂરી સુધારા સૂચવવાનું પણ જણાવાયું છે.
- આ 16 કાયદાઓનું સ્થાન નવો કાયદો લઈ શકે છે
- ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ, 1879
- ગુજરાત ખેત ગણોત અને ખેતીની જમીનનો ધારો, 1948
- સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત પતાવટ અને ખેતીની જમીનનો વટહુકમ, 1949
- ગુજરાત ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ્સ એક્ટ, 1958
- સૌરાષ્ટ્ર લેન્ડ રિફોર્મ્સ એક્ટ, 1951
- સૌરાષ્ટ્ર એસ્ટેટ એક્વિઝિશન એક્ટ, 1952
- મામલતદાર કોર્ટ એક્ટ, 1905
- ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ્સ એક્ટ, 1890
- ગુજરાત કોર્ટ ઓફ વોર્ડ્સ એક્ટ, 1963
- ગુજરાત એગ્રીકલ્ચર લેન્ડ સીલિંગ એક્ટ, 1960
- જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ (લેન્ડ ગ્રેબિંગ) એક્ટ, 2020
- ગુજરાત પ્રિવેન્શન ઓફ ફ્રેગમેન્ટેશન એન્ડ કન્સોલિડેશન ઓફ હોલ્ડિંગ્સ એક્ટ, 1947
- રજિસ્ટ્રેશન એક્ટ, 1908
- ગુજરાત સ્ટેમ્પ એક્ટ, 1958
- અશાંત ધારો, 1991
- ટ્રેઝર ટ્રોવ એક્ટ, 1878



