ગુજરાતના મંત્રીઓને ફાળવાયા બંગલા, હર્ષ સંઘવીને 43 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો

ગાંધીનગર : ગુજરાતના નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ અને મંત્રીઓએ પદભાર સંભાળી લીધા બાદ હવે મંત્રીઓને આવાસ ફાળવવામાં આવી રહ્યા છે. જેમાં હાલ રાજ્ય મંત્રીમંડળનું કદ 25 રાખવામાં આવ્યું છે. જેમાં જેમાં 10 કેબિનેટ કક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રી છે. આ મંત્રીઓને બંગલાની પણ ફાળવણી કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લકી ગણાતો 26 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે. નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને 43 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે.
રીવાબા જાડેજાને 12A બંગલો ફાળવવામાં આવ્યો
માર્ગ અને મકાન વિભાગની યાદી મુજબ કુલ 25 મંત્રીને ગાંધીનગરના મંત્રી નિવાસ સંકુલમાં બંગલા ફાળવવામાં આવ્યા છે. જે સંકુલના અંતિમ ખૂણામાં આવેલો છે. બીજી તરફ રીવાબા જાડેજાને સૌથી મુખ્ય સ્થાન ધરાવતા રાજભવન સામેના બંગલો નં. 12A માં રહેવા માટે ફાળવણી કરવામાં આવી છે. જોકે કાંતિ અમૃતિયાને 33 નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે.
13 નંબરનો કોઈ બંગલો નથી
ગાંધીનગરમાં આવેલા મંત્રી નિવાસસ્થાનમાં મહત્વની વાત એ છે કે રાજભવન સાથે જ મંત્રીઓ માટેના બંગલા આવેલા છે. જેમાં કુલ 43 જેટલા બંગલા છે. પરંતુ 13 નંબરનો કોઈ બંગલો નથી કેમ કે આ નંબર અપશુકનિયાળ હોવાની માન્યતા છે. 12 નંબરના બંગલા પછી સીધો જ 12-A એવો નંબર આપવામાં આવ્યો છે.
અનેક બંગલામાં હાલ રિનોવેશનનું કામ ચાલુ
જોકે નવા મંત્રીઓને બંગલા ફાળવાઈ ગયા છે. પરંતુ અનેક બંગલામાં હાલ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. કેટલાક મંત્રીઓ હજુ ત્યાં રહેવા આવ્યા નથી. જયારે જુના મંત્રીઓ મુળુભાઈ બેરા, કુંવરજી હળપતિ, રાઘવજી પટેલ અને ભીખુસિંહ પરમારે હજુ સુધી બંગલો ખાલી કર્યા નથી. જેના કારણે ફાળવણીની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે.


