ગાંધીનગર

નવીનતમ બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન રેન્કિંગ્સ અંતર્ગત ‘ફાસ્ટ મૂવિંગ’ શ્રેણીમાં ગુજરાત અગ્રેસર

ગાંધીનગરઃ સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ અંતર્ગત સ્પીપા દ્વારા ધી સેક્રેટરીએટના સહયોગથી સ્પીપાના ગાંધીનગર કેમ્પસ ખાતે તા. ૦૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’ના ત્રીજા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત-શાસનની આવશ્યકતા’ વિષય પર આયોજીત આ સત્રમાં વિકસિત ભારત@૨૦૪૭ અંતર્ગત અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય વક્તા, નીતિ આયોગના સભ્ય અને ભારત સરકારના પૂર્વ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ જણાવ્યું હતું કે, પૂર્વ વડા પ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ પ્રોજેક્ટ જેવા અનેક મહત્વપૂર્ણ ફેરફાર થકી દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. જેને આગળ ધપાવી હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પરિવર્તનશીલ સુધારાઓ કર્યા છે. જેમાં GSTની રચના,માળખાગત સુવિધાઓનું વિસ્તરણ અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના મહત્વાકાંક્ષી વિઝનનો સમાવેશ થાય છે.

ગુજરાત અન્ય ક્ષેત્રોની જેમ શાસન અને સુધારામાં સમગ્ર દેશમાં અગ્રેસર

નીતિ આયોગના સભ્ય રાજીવ ગૌબાએ કહ્યું હતું કે, વિકસિત ભારત બનાવવાના વડા પ્રધાનના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાત પણ મહત્વનો ફાળો આપી રહ્યું છે. ગુજરાત અન્ય ક્ષેત્રોની જેમ શાસન અને સુધારામાં સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. કેન્દ્ર સરકારની પ્રેરણાથી લાંબા ગાળાની વ્યૂહાત્મક વિચારસરણી માટે નીતિ આયોગની જેમ જ સંસ્થાઓ સ્થાપવામાં વિવિધ રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેમાં ગુજરાતે પ્રથમ સ્થાને રહીને ગુજરાત રાજ્ય ઇન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન(GRIT)ની સ્થાપના કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત હંમેશાથી સૌથી પ્રગતિશીલ અને વ્યવસાય-મૈત્રીપૂર્ણ રાજ્ય રહ્યું છે. ભારત સરકારના નવીનતમ બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન રેન્કિંગ્સમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય હતું, જે ‘ફાસ્ટ મૂવિંગ’ ની શ્રેણીમાં સ્થાન પામ્યું હતું.

ગુજરાત એફડીઆઈ આકર્ષવામાં દેશમાં ત્રીજા ક્રમે

વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, CAG રિપોર્ટ-૨૦૨૩ અનુસાર ગુજરાતમાં ૧૦૧ જાહેર ક્ષેત્રના ઉપક્રમો(PSU) આવેલા છે. ગુજરાત વિદેશી સીધા રોકાણ(FDI) આકર્ષવામાં રાષ્ટ્રીય સ્તરે ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત ગુજરાત દેશના પ્રથમ વાણિજ્યિક સેમિકન્ડક્ટર અને પ્રથમ ખાનગી ક્ષેત્રની એરક્રાફ્ટ ઉત્પાદન પહેલનું યજમાન પણ રહ્યું છે. આમ, ગુજરાત વ્યવસાય સુધારણાની કાર્યવાહીમાં અન્ય રાજ્યો કરતાં સતત વધુ સારું પ્રદર્શન કરી રહ્યું છે.

ગુજરાત દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ

નીતિઓ અને રોકાણ વિશે ગૌબાએ કહ્યું હતું કે, ગુજરાતે તાજેતરમાં તેની ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર(GCC) નીતિ શરૂ કરી છે. જેનો હેતુ ૨૫૦ નવા GCCs ને આકર્ષવાનો, રૂ. ૧૦ હજાર કરોડનું રોકાણ એકત્ર કરવાનો, મૂડી સબસિડી તથા અન્ય પ્રોત્સાહનો આપીને મોટી સંખ્યામાં કુશળ નોકરીઓનું સર્જન કરવાનો છે. ગુજરાત ભારતના તમામ રાજ્યોમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે, જે તેને પોર્ટ-લેન્ડના વિકાસ માટે અને વિકસિત ભારત ૨૦૪૭ના નિર્માણ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આમ, ગુજરાત દેશના શ્રેષ્ઠ રાજ્યોમાંનું એક રહ્યું છે, જે અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બન્યું છે.

આ પણ વાંચો…મેહનત રંગ લાવી! ગુજરાતના આટલા ઉમેદવારોએ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની પરીક્ષા પાસ કરી

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button