ગુજરાત વ્યવસાયિક તાલીમ ક્ષેત્રે અગ્રેસર, 556 આઈટીઆઈમાં તાલીમ સુવિધા ઉપલબ્ધ | મુંબઈ સમાચાર

ગુજરાત વ્યવસાયિક તાલીમ ક્ષેત્રે અગ્રેસર, 556 આઈટીઆઈમાં તાલીમ સુવિધા ઉપલબ્ધ

ગાંધીનગર : ગુજરાત વ્યવસાયિક તાલીમ ક્ષેત્રે સતત અગ્રેસર છે. જેમાં હાલ રાજ્યમાં 556 આઈટીઆઈ માં 2.17 લાખ બેઠકો પર વ્યવસાયિક તાલીમ સુવિધા ઉપલબ્ધ છે. જયારે રાજ્યમાં વિવિધ ઉદ્યોગોને કુશળ માનવબળ ઉપલબ્ધ થાય તેમજ જુદા જુદા ક્ષેત્રે વિકસતી ટેકનોલોજી અંગે યુવાઓને તાલીમ આપી સ્વરોજગારી મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

ડ્રોન પાયલોટ, સોલર ટેક્નિશિયન સહિતના અભ્યાસક્રમોનો સમાવેશ

રાજ્યમાં આ રોજગારલક્ષી અભિયાનને વધુ બળ આપવા રાજ્યમાં 288 સરકારી, 100 ગ્રાન્ટ-ઇન-એઇડ અને 168 સ્વનિર્ભર સંસ્થાઓ મળી કુલ 556 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ(આઈટીઆઈ) કાર્યરત છે. આ આઈટીઆઈમાં અંદાજે 2.17 લાખ કરતાં વધુ બેઠકો પર વિવિધ વ્યવસાયિક તાલીમ સુવિધા આપવામાં આવે છે. આ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે 79 રાષ્ટ્રીય કક્ષાના અને 53 રાજ્ય કક્ષાના એમ કુલ 132 અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. જેમાં વર્તમાન જરૂરિયાત મુજબના આઈઓટી, ડ્રોન પાયલોટ, સોલર ટેક્નિશિયન સહિતના એન્જિનિયરિંગ-નોન એન્જિનિયરિંગ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.

સ્વરોજગારી મેળવવાની વધુ ઉજળી તકો

દેશમાં વિવિધ ક્ષેત્રોમાં ઔદ્યોગિકરણનો વ્યાપ સતત વધતાં આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેક ઉદ્યોગો સ્થાપી રહી છે. જેના પરિણામે વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવી વ્યવસાયિક કૌશલ્ય પ્રાપ્ત કરનાર યુવાઓ માટે રોજગારી કે સ્વરોજગારી મેળવવાની વધુ ઉજળી તકો ઉપલબ્ધ થઈ રહી છે.

આપણ વાંચો:  પુરાતન નગરી ધોળાવીરામાં ભેજમાંથી પીવાનું શુદ્ધ પાણી બનાવતાં મશીન મૂકાયા

કારીગર તાલીમ યોજના અમલી

આ ઉપરાંત કેન્દ્ર સરકારના ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેઈનીંગ વિભાગ દ્વારા “કારીગર તાલીમ યોજના” અમલી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ-NCVT અને ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ-GCVT એમ મુખ્યત્વે બે પ્રકારના પેટર્ન ધરાવતા વ્યવસાયો અમલમાં છે. જેનું સંચાલન સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-ITI,ગ્રાન્ટ-ઈન-એઈડ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો-GIA,સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થા-SF, સરકારી ટેકનિકલ હાઈસ્કૂલો વગેરે દ્વારા કરવામાં આવે છે.

મહિલા ઉમેદવારોને ટ્યુશન ફીમાંથી સંપૂર્ણ મુક્તિ

ગુજરાત સરકાર દ્વારા આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને અનેક સુવિધાઓ આપવામાં આવે છે. જેમ કે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ , દિવ્યાંગ તેમજ મહિલા ઉમેદવારોને ટ્યુશન ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે છે. જયારે અન્ય ઉમેદવારોએ માસિક માત્ર રૂપિયા 100 ફી ચૂકવવાની હોય છે. આ ઉપરાંત તાલીમાર્થીઓને 80 ટકા સરેરાશ હાજરી તથા આવક મર્યાદાને આધિન માસિક રૂપિયા 500 સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. વિદ્યાસાધના સહાય યોજના હેઠળ મહિલા તાલીમાર્થીઓને વાલીની વાર્ષિક આવક મર્યાદા મુજબ સાયકલ સહાય પણ આપવામાં આવે છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button