વિધાનસભામાં ગુજરાત જન વિશ્વાસ બિલ રજૂ કરાશે, જાણો શું છે તેની ખાસિયત | મુંબઈ સમાચાર
Top Newsગાંધીનગર

વિધાનસભામાં ગુજરાત જન વિશ્વાસ બિલ રજૂ કરાશે, જાણો શું છે તેની ખાસિયત

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ત્રણ દિવસ માટે જ બોલાવવામાં આવ્યું છે. સૂત્રો મુજબ વિધાનસભાનું ચોમાસુ સત્ર 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. માત્ર ત્રણ દિવસના ટૂંકા સત્રમાં જ વિવિધ બાબતોને આવરી લેવાશે. સત્રમાં પહેલા દિવસે શોકદર્શક ઠરાવનો ઉલ્લેખ કરાશે. સત્રમાં 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન સરકારી કામકાજ અને સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, વિધાનસભામાં ગુજરાત જન વિશ્વાસ બિલ રજૂ કરવામાં આવશે. ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂત દ્વારા વ્યાપારના સરળીકરણના સંદર્ભમાં બિલ રજૂ કરાશે. આ ઐતિહાસિક બિલમાં નાના ગુનાઓ માટે સજાનું સ્વરૂપ બદલાયું છે. જેમાં નાના ગુનાઓમાં સજાને બદલે હવે દંડ એટલે કે પેનલટી ફટકારવામાં આવશે. 11 વિભાગ અને 500 પ્રકારના ગુનામાં દંડની જોગવાઈ લાગુ પડશે. આ નવી જોગવાઈ કોર્ટ, જેલ અને પોલીસની કામગીરીનું ભારણ ઘટાડશે.

આપણ વાંચો: સરકારી સબ્સિડીવાળી લોનનાં નામે અંજારના કારખાનેદારને ₹૧૮ લાખનો ચૂનો લાગ્યો, બે એજન્ટો સામે ગુનો નોંધાયો

નાના ગુના માટે કેદની સજાના ડરથી રોકાણકારોનો વિશ્વાસ ડગતો હોવાથી આ સુધારો કરવામાં આવ્યો છે. આવા સંજોગોમાં નાના ગુનાને બિન ગુનાહિત ગણીને તેને બદલે નાણાકીય દંડની જોગવાઈ કરાઈ છે. પરવાનગી વગર બાંધકામ, નગરપાલિકામાં વેરો ન ભર્યો હોય, સરકારી જમીન પર દબાણ, પરવાનગી વગર રસ્તાઓ પર ખોદાતા ખાડા જેવા ગુના માટે પ્રતિ દિવસ લેખે દંડની ગણતરી કરવાની જોગવાઈ છે. આ બિલનો મુખ્ય હેતુ લોકોને વધુ વિશ્વાસ સાથે કાયદાનું પાલન કરવા પ્રોત્સાહિત કરવાનો છે.

આ બિલની મુખ્ય ખાસિયતો નીચે મુજબ છે:

નાના ગુનાઓનું અપરાધીકરણ દૂર કરવું: આ બિલ હેઠળ, કેટલાક કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ થતી જેલની સજાને નાણાકીય દંડમાં રૂપાંતરિત કરવામાં આવશે.

વેપાર અને જીવન સરળ બનાવવું: આ બિલથી વેપાર-ધંધા અને રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓ ઓછી થશે. તેનાથી સામાન્ય નાગરિકોને વારંવાર કોર્ટ-કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.

આપણ વાંચો: ત્રણ સબ્સિડી અને મહિલાઓનું હીતઃ જાણો ગુજરાતની નવી ટેક્સટાઈલ્સ પોલિસીમાં શું છે?

કાનૂની પ્રક્રિયાનું સરળીકરણ: આ બિલનો હેતુ સરકારી વિભાગો અને સામાન્ય લોકો વચ્ચે કાનૂની વિવાદોને સરળતાથી ઉકેલવાનો છે, જેનાથી ન્યાયતંત્ર પરનો બોજ પણ ઓછો થશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button