
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ટૂંકી મુદ્દતના વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્યમાં ચાંદીપુરા વાયરસ અને વાયરલ એન્કેફેલાઇટીસની સ્થિતિ અંગે આજે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહત્ત્વની માહિતી આપી હતી. એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 6 દિવસોમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાનો એક પણ નવો કેસ નોંધાયો નથી તેમ જ રાજ્યમાં 12 દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાથી સંક્રમિત એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી.
આ પણ વાંચો: કચ્છમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસના રીપોર્ટ આવે તે પહેલા જ બાળકોના મોતથી ખળભળાટ
રાજ્યમાં વર્ષ 2024માં રાજ્યના 164 જેટલા દર્દીને વાયરલ એન્કેફેલાઇટીસનું સંક્રમણ જોવા મળ્યું હતું, જે પૈકી 61 જેટલા કેસ ચાંદીપુરા પોઝિટિવ હોવાનું જણાયું હતું. ચાંદીપુરા રોગના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે પ્રો-એક્ટિવલી કામગીરી કરી છે.
રાજ્યમાં શંકાસ્પદ અને પોઝીટીવ જણાયેલ અસરગ્રસ્ત વિસ્તારો સહિતના આસપાસના વિસ્તારોમાં કુલ 53,999 ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ હતી. કુલ 7,46,927 કાચા ઘરોમાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગની કામગીરી અને કુલ 1,57,074 કાચા ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને કારણે ફફડાટ, કુલ 118 શંકાસ્પદ કેસ, 41ના મોત
અસરગ્રસ્ત વિસ્તારોની કુલ 31,563 શાળામાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 8,649 શાળામાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે. કુલ 36,150 આંગણવાડીમાં મેલિહ્થિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 8,696 આંગણવાડીમાં સ્પ્રેઇંગની કામગીરી કરાઇ છે.
અત્યાર સુધી નોંધાયેલ કુલ 164 વાયરલ એન્કેફેલાઇટીસ સંક્રમિત દર્દીઓને સત્વરે અને સધન સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે પૈકી 73 બાળકોના દુ:ખદ મૃત્યુ નિપજ્યા જે પૈકી ચાંદીપુરા સંક્રમિત 28 બાળકોના દુ:ખદ મૃત્યુ નોધાયા છે. તમામ કેસ પૈકી 88 બાળકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.