ગુજરાત બન્યું દેશનું ગ્રોથ એન્જિનઃ GDP, ઔદ્યોગિક ઉત્પાદન અને નિકાસમાં અગ્રેસર | મુંબઈ સમાચાર
Top Newsગાંધીનગર

ગુજરાત બન્યું દેશનું ગ્રોથ એન્જિનઃ GDP, ઔદ્યોગિક ઉત્પાદન અને નિકાસમાં અગ્રેસર

ગાંધીનગરઃ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા “વોકલ ફોર લોકલ” ઉપર ભાર મૂકતા ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, દેશના અને રાજ્યના સ્થાનિક ઉત્પાદનો એ માત્ર જરૂરિયાત નહિ, પરંતુ આપણી જવાબદારી પણ છે. દેશના વિકાસમાં ગુજરાતનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે, ગુજરાત આજે ભારતના GDPમાં ૮.૨ ટકા, ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા અને રાષ્ટ્રીય નિકાસમાં લગભગ ૨૭ ટકાના યોગદાન સાથે દેશના મોખરાના રાજ્યો પૈકીનું એક બન્યું છે.

છેલ્લા દિવસના પ્રસ્તાવની ચર્ચામાં સહભાગી થતા પ્રધાને જણાવ્યું હતું કે, બ્રિટીશ શાસનમાં ભાંગી પડેલી ભારતની અર્થવ્યવસ્થા દેશની આઝાદી પછીના અનેક વર્ષો સુધી ખડેપગ થઇ શકી ન હતી. વર્ષ ૨૦૧૪માં દેશના વડા પ્રધાન તરીકેનો કાર્યભાળ સંભાળ્યાની સાથે જ નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ લેવાયેલા વિઝનરી નિર્ણયોના પરિણામે આજે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં ચોથા સ્થાને પહોંચી છે.

દેશના વિકાસનો મૂળ પાયો ગુજરાતમાં નાખવામાં આવ્યો

દેશના વિકાસનો મૂળ પાયો ગુજરાતમાં નાખવામાં આવ્યો હતો. ગુજરાતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાનનરેન્દ્ર મોદીએ કરેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી વિશેષ પહેલોના પરિણામે જ આજે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે. ગુજરાતના જ તર્જ પર વડા પ્રધાને વર્ષ ૨૦૧૪ બાદ દેશના વિકાસની નવી પરિભાષા લખી છે. ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર અને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનું યોગદાન દરેક ક્ષેત્રે સૌથી વધુ હશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આત્મનિર્ભર ભારત અભિયાનમાં ગુજરાત એન્જિનની ભૂમિકામાં

પ્રધાને આ સંદર્ભે ઉમેર્યું હતું કે, વડા પ્રધાનના નેતૃત્વમાં શરૂ થયેલું “વોકલ ફોર લોકલ” અભિયાન ભારતનાં ઔદ્યોગિક પરિવર્તનનાં નવા યુગનો પ્રારંભ બન્યું છે. “વોકલ ફોર લોકલ”ના મંત્ર એ દેશના સ્થાનિક ઉત્પાદનો, કારીગરો અને ઉદ્યોગોને સમર્થન આપવાની સાથે તેમના ગૌરવને પણ વધાર્યું છે. ગુજરાત સરકાર દ્વારા વોકલ ફોર લોકલના મંત્રને ચરિતાર્થ કરવા સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા અનેવિધ પહેલો કરવામાં આવી રહી છે. જેના પરિણામે જ આજે મુખ્ય પ્રધાનના માર્ગદર્શન હેઠળ આત્મનિર્ભર ભારત અભિયાનમાં ગુજરાત એક મુખ્ય એન્જિનની ભૂમિકા નિભાવી રહ્યું છે.

રાજ્યની માથાદીઠ આવકમાં થયો તોતિંગ વધારો

ગુજરાતના વિકાસનું સરવૈયું આપતા પ્રધાન રાજપૂતે કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૩માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત થઇ ત્યારે, ગુજરાતનું GSDP એટલે કે, રાજ્યનું કુલ ઉત્પાદન ૧.૨૩ લાખ કરોડ હતું, જે વર્ષ ૨૦૨૪માં વધીને ૨૨ લાખ કરોડ થયું છે. તેવી જ રીતે, રાજ્યની માથાદીઠ આવક પણ ૧૮,૩૯૨થી વધીને ૨,૭૩,૫૫૭ થઇ છે. આ ઉપરાંત રાજ્યના ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં ૧૫-૧૫ ગણો, સર્વિસ સેક્ટરમાં ૧૩ ગણો અને મૂડી રોકાણમાં ૯ ગણો વધારો થયો છે. સાથે જ, રાજ્યમાં નાના ઉદ્યોગોની સંખ્યા પણ છેલ્લા ૨૦ વર્ષમાં ૧.૩૮ લાખથી વધીને ૨૧ લાખ થઇ છે.

૯૦ જેટલા ઉત્પાદનોની વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ હેઠળ પસંદગી

વોકલ ફોર લોકલ અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને વધુ સહાય તેમજ સવલતો આપવા માટે ગુજરાતે “વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ” કાર્યક્રમને પણ ખૂબ જ વેગવાન બનાવ્યો છે. રાજ્યના દરેક જિલ્લામાં વિવિધ ઉત્પાદનોની ઓળખ કરીને જિલ્લામાં તેના ઉત્પાદનની સંભાવનાને પારખવામાં આવે છે. રાજ્યના દરેક જિલ્લાના વિશિષ્ટ ઉત્પાદનોને વિશ્વ કક્ષાએ એક આગવી ઓળખ મળે તે માટે ભારત સરકારના સહયોગથી કુલ ૯૦ જેટલા ઉત્પાદનોની વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ હેઠળ પસંદગી કરવામાં આવી છે અને તેના ઉત્પાદનને વેગ આપવા અનેકવિધ પ્રોત્સાહન પણ આપવામાં આવી રહય છે. જે ખરા અર્થમાં વોકલ ફોર લોકલની ભાવનાને ચરિતાર્થ કરે છે, તેમ પ્રધાને ઉમેર્યું હતું.

દેશને આત્મનિર્ભર બનાવવા માટે પ્રધાને ગુજરાતના દરેક નાગરિકોને તહેવારો અને તેના સિવાયના દિવસોમાં પણ સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને “વોકલ ફોર લોકલ” અભિયાનમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. પ્રધાન ઋષિકેશ પટેલે ચર્ચામાં સહભાગી થતા જણાવ્યું હતું કે, ભારત સરકારનો ‘વોકલ ફોર લોકલ’ સંકલ્પ માત્ર એક શબ્દ નથી, પરંતુ એક વિચારધારા છે, જે સ્વ-જાગૃતિનો મંત્ર અને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. આ અભિયાનને ભારતના સ્વાભિમાન અને વિકસિત ભારત તરફની એક અનુપમ યાત્રા તરીકે રજૂ કરવામાં આવ્યું …

આ પણ વાંચો…કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભા ગૃહમાં પસાર, મહિલાઓ પણ નાઇટ શિફ્ટમાં કરી શકશે કામ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button