ગાંધીનગરનેશનલ

સ્વદેશીનાં બણગાં વચ્ચે અમેરિકન અબજોપતિ એલન મસ્કની કંપની સાથે કરાર, સ્ટારલિંક શું કરશે ?

ગાંધીનગર: એકબાજુ સરકાર સ્વદેશી અપનાવોના બણગાં ફુંકી રહી છે, તો બીજી તરફ ખુદ સરકાર જ વિદેશની કંપનીઓ સાથે કરાર કરી રહી છે. તાજેતરમાં જ ગુજરાત સરકારે ઈલોન મસ્કની સ્પેસએક્સની પેટાકંપની સ્ટારલિંક સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે.

વળી આ કરાર ખુદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય એવા વિસ્તારોમાં હાઈ-સ્પીડ સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ પહોંચાડવાનો છે જ્યાં અત્યારે ટેલિકોમ સુવિધાઓ મર્યાદિત છે અથવા નેટવર્કની મોટી સમસ્યાઓ છે.

રાજ્ય સરકારનો દાવો છે કે આ પાઈલોટ પ્રોજેક્ટ હેઠળ શાળાઓ અને હોસ્પિટલોને અપાશે પ્રાધાન્ય આ પહેલ હેઠળ પ્રાથમિક તબક્કે એક પાઈલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે, જેમાં કોમન સર્વિસ સેન્ટર્સ (CSCs), ઈ-ગવર્નન્સ સુવિધાઓ, સરકારી શાળાઓ અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમને સાંકળી લેવામાં આવશે.

ખાસ કરીને નર્મદા અને દાહોદ જેવા એસ્પિરેશનલ જિલ્લાઓ તેમજ આદિવાસી પટ્ટામાં આ કનેક્ટિવિટી આશીર્વાદરૂપ સાબિત થશે. આ ઉપરાંત, વન્યજીવ અભયારણ્યો, બંદરો, પોલીસ આઉટપોસ્ટ અને કૃષિ સંશોધન કેન્દ્રોમાં પણ સ્થિર અને સુરક્ષિત ડિજિટલ સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવશે.

સ્ટારલિંક સાથેના આ સહયોગથી રાજ્યની સરકારી શાળાઓમાં સ્માર્ટ એજ્યુકેશન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHCs) પર ટેલીમેડિસિન સેવાઓ ઝડપથી ઉપલબ્ધ બનશે તેવો દાવો રાજ્ય સરકારે કર્યો હતો. આ સાથે જ હાઈવે સુરક્ષા સિસ્ટમ, GIDC ઇન્ડસ્ટ્રિયલ પાર્ક, કોસ્ટલ પોલીસ ઓપરેશન અને મેરીટાઇમ કનેક્ટિવિટીને પણ વધુ મજબૂત બનાવવામાં આવશે.

સરકાર દ્વારા આ પ્રોજેક્ટના અસરકારક અમલીકરણ માટે ગુજરાત સરકાર અને સ્ટારલિંકના પ્રતિનિધિઓનું એક જોઈન્ટ વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવશે. આ પ્રસંગે ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ અને સ્ટારલિંક ઈન્ડિયાના હેડ પ્રભાકર જયકુમારે દસ્તાવેજોની આપ-લે કરી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button