ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં સૌથી ટૂંકા સત્રનો આજથી પ્રારંભ થયો હતો, જેમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદા માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેને સર્વાનુમતે મંજૂરી મળી હતી.
ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ અંધશ્રદ્ધા વિરોધી સૂચિત કાયદાની જોગવાઈઓનું બિલ રજૂ કર્યું હતું, જેને સર્વાનુમતે મંજૂરી પણ મળી હતી. અંધશ્રદ્ધાનું આચરણ કરનારા કે કરાવનારાને પણ જામીન મળશે નહીં. આ ગુનાના દોષીને છ મહિનાથી લઈને સાત વર્ષ સુધીની કેદની સજા થશે તેમ જ પાંચ હજાર રુપિયાથી લઈને પચાસ હજાર રુપિયા સુધીનો દંડ કરવામાં આવશે. એટલું જ નહીં, આ ગુનો બિનજામીનપાત્ર રહેશે.
ગુજરાતમાં અજ્ઞાનતાને કારણે અનેક શહેર-ગામમાં કુપ્રથા ચાલતી આવે છે, જેમાં માનવ-પશુઓની બલિ આપવામાં આવશે. આ ઉપરાંત, અનેક પ્રકારની ગેરમાન્યતાઓ પ્રવર્તતી હોય છે. ભૂત-ડાકણ સહિત અઘોરી પ્રથાઓની સાથે બ્લેક મેજિક કરવામાં આવતા હોય છે, તેથી તેની સામે કડક કાયદાનું નિયમન કર્યું છે.
આ પણ વાંચો : Congress અને AAPના ગુજરાત સરકાર પર પ્રહાર, કહ્યું જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ
ધાર્મિક વિધિ યા પરંપરાને છૂટ
સૂચિત કાયદામાં ધાર્મિક વિધિ યા પરંપરાને છૂટ આપવામાં આવી છે, પરંતુ કથિત ચમત્કારો અને તેના પ્રચાર કરવાનું ગુનો ગણવામાં આવશે. ઉપરાંત, ભૂત કે ડાકણ ભગાડવાના નામે ભૂવા દ્વારા શારીરિક પીડા આપવી કે અપાવવી એ ગુનો ગણાશે. એના સિવાય કોઈ વ્યક્તિ પાસે અનિષ્ટ શક્તિ છે અને તેનાથી બીજાનું નુકશાન થાય છે કે તેનો પ્રચાર કરવાનું ગુનો બનશે.
સૌની આસ્થાને ધ્યાનમાં રાખી છે
આજથી ત્રણ દિવસના વિશેષ સત્રમાં રાજ્યની વિધાનસભામાં બ્લેક મેજિક યા કાળા જાદુ વિરુદ્ધ બિલ રજૂ કરીને ગુજરાત સરકારે પ્રજાને મોટી ભેટ આપી હોવાનું જણાવ્યું હતું. ગૃહ પ્રધાન ખાસ કહ્યું હતું કે લોકોની આસ્થાને ઠેસ પહોંચે નહીં એ બાબતને ધ્યાનમાં રાખીને બિલ તૈયાર કરવામાં આવ્યું છે.
કાયદો ઘડવામાં ગુજરાત સાતમું રાજ્ય
અહીં એ જણાવવાનું કે અંધશ્રદ્ધાના નિર્મૂલન માટે ગુજરાત રાજ્ય પહેલા મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ સહિત અન્ય રાજ્યમાં કાયદો ઘડવામાં આવ્યો છે. આ કાયદો લાગુ પાડવામાં હવે ગુજરાત રાજ્યમાં સાતમું બન્યું છે, જ્યારે આ કાયદા અન્વયે રાજ્યમાં જે કોઈ પણ વ્યક્તિ માનવ બલિદાન, બ્લેક મેજિક કે અઘોરી પ્રથાને પ્રોત્સાહન આપશે તે ગુનાપાત્ર બનશે.
2021માં દેશમાં 68 લોકોએ ગુમાવ્યા જીવ
ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશભરમાં બ્લેક મેજિક અને જાદુ ટોણાના નામે તાંત્રિક લોકો દ્વારા લોકોના જીવ સામે રમત રમવામાં આવે છે. નેશનલ ક્રાઈમ બ્યુરોના અહેવાલ અનુસાર વર્ષ 2021માં દેશભરમાં બ્લેક મેજિકને કારણે 68 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આમ છતાં દેશમાં તેના વિરોધી સેન્ટ્રલ એક્ટ નથી. જોકે, એના ઉકેલ માટે અલગ અલગ રાજ્યોએ કાયદા ઘડ્યા છે, જ્યારે હવે તેમાં ગુજરાત રાજ્યએ પણ કાયદો બનાવીને લોકોને સલામતી આપી છે.
બિહારમાં સૌથી પહેલા કાયદો બન્યો હતો
બિહાર રાજ્ય ભલે નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવા છતાં બિહારમાં સૌથી પહેલા કાળા જાદુ સામે કાયદો ઘડવામાં આવ્યો હતો. 1999થી કાયદો અમલી બનાવ્યો છે. બિહારમાં કાળા જાદુ, જાદુ ટોણા, ડાકણ પ્રથા પર રોક લગાવી છે, જ્યારે ઝારખંડમાં પણ રોક લગાવી છે. મહારાષ્ટ્રમાં પણ આ કાયદો 2013થી લાગુ છે, જેમાં સાત વર્ષની સજા થઈ શકે છે.