માત્ર ૨૦ રુપિયામાં ૨ લાખનો વીમો આપે છે સરકાર, જાણો ગુજરાતમાં કેટલાએ લીધો લાભ | મુંબઈ સમાચાર
ગાંધીનગર

માત્ર ૨૦ રુપિયામાં ૨ લાખનો વીમો આપે છે સરકાર, જાણો ગુજરાતમાં કેટલાએ લીધો લાભ

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ અંતર્ગત ગુજરાતમાં ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’માં તા. ૨૭ ઓગસ્ટ-૨૦૨૫ની સ્થિતિએ રેકોર્ડબ્રેક કુલ ૨.૦૧ કરોડથી વધુ લાભાર્થીઓ જોડાયા છે. આ લાભાર્થીઓએ વાર્ષિક માત્ર રૂ.૨૦ ભરીને પોતાના આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં રૂ. ૧ થી ૨ લાખ સુધીનું વીમા સુરક્ષા કવચ લઈને પોતાના પરિવારની આર્થિક સુરક્ષા વધુ સુનિશ્ચિત કરી છે. આ યોજના અંતર્ગત આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં, ખાસ કરીને ઓછી આવક ધરાવતા તેમજ અસંગઠિત ક્ષેત્રના કામદારોને નજીવા દરે વ્યક્તિગત અકસ્માત વીમા કવરેજ પુરૂ પાડવામાં આવે છે.

આ ચાર યોજનાઓ ચલાવે છે સરકાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના છેવાડાના સામાન્ય નાગરિક-શ્રમિકો માટે વિવિધ સામાજિક અને આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અનેકવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. આમાં મુખ્યત્વે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના- PMSBY, પ્રધાનમંત્રી જન ધન યોજના-PMJDY, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના- PMJJBY તેમજ અટલ પેન્શન યોજના- APY એમ કુલ ચાર યોજનાઓનો સમાવેશ થાય છે.

સરકાર ચલાવે છે ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’

ભારત સરકારના ઉપક્રમે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ગત તા. ૦૧ જુલાઈ થી ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૫ સુધી ત્રણ મહિના માટે વિશેષ રીતે નાણાકીય સમાવેશ અને સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત દેશભરમાં ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ ચલાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રની આ યોજનાઓનો લાભ રાજ્યના છેવાડાના નાગરિકને ઘર આંગણે મળી રહે તે માટે ગુજરાતની ૧૪,૬૧૦ ગ્રામ પંચાયતો તથા શહેરી સ્થાનિક સંસ્થાનોમાં આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં મદદરૂપ થવા સેવારત ગ્રામ કોમ્પ્યુટર સાહસિક-VCEને આ જવાબદારી આપવાનો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તાજેતરમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અભિયાન હેઠળ જે નાગરિકોને બેંકમાં ખાતું ના હોય તો ખોલાવવા ઉપરાંત KYC તેમજ જે ખાતામાં વારસદારોની નોંધણી બાકી હોય તેમાં નોંધણી કરાવવી, ડિજિટલ છેતરપિંડી નિવારણ, બેંકમાં દાવા વગરની થાપણો અંગે વિવિધ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સંદર્ભે વધુ વિગતો માટે નજીકની બેંક શાખા, બેંક મિત્ર કે VCEને સંપર્ક કરવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરાયેલા ‘વિકસિત ભારત’ના વિઝન અંતર્ગત ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ને ગુજરાતમાં સફળ બનાવવા રાજ્ય સ્તરીય પ્રારંભ ગત પહેલી જુલાઈ ૨૦૨૫ના ગાંધીનગર જિલ્લાના પુંધરા ગામમાંથી કરાયો હતો. જેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા નાણા પ્રધાન કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

PMSBY યોજનાનો લાભ લેવા બેંકમાં બચત ખાતું તેમજ ૧૮ થી ૭૦ વર્ષ આયુ ધરાવતા હોવા જોઈએ. જેમાં આકસ્મિક મૃત્યુ અથવા સંપૂર્ણ કાયમી અપંગતા માટે રૂ. બે લાખ તેમજ આંશિક કાયમી અપંગતા માટે રૂ. એક લાખના વીમા કવરેજનો લાભ આપવામાં આવે છે. આ યોજનાની વધુ માહિતી માટે https://jansuraksha.gov.in/PMJJBY, હેલ્પલાઈન નંબર ૧૮૦૦-૧૧૦-૦૦૧ નજીકની બેંક શાખા તથા ઓનલાઈન બેન્કિંગ પોર્ટલ-મોબાઈલ એપનો ઉપયોગ કરી શકાશે. જેનો પાત્રતા ધરાવતા તમામ નાગરિકોએ લાભ લેવા નાણા વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો…વૈશ્વિક કવરેજ ધરાવતો આરોગ્ય વીમો કોના માટે જરૂરી છે?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button