ગાંધીનગર

ગુજરાત સરકાર લોકોના આંદોલન સામે ઘૂંટણિયે, ક્યો નિર્ણય મોકૂફ રાખવો પડ્યો ?

ગાંધીનગરઃ ગુજરાત સરકારે લોકોના આંદોલન સામે ઘૂંટણિયે પડવું પડ્યું હતું. હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવાના નિર્ણયને રાજ્ય સરકારે હાલ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA) મુદ્દે સંબંધિત ગામોના આગેવાનો તથા ગ્રામજનો સાથે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં મુખ્ય પ્રધાનના માર્ગદર્શનમાં રચાયેલી કમિટીના સભ્યો ઋષિકેશ પટેલ, અર્જુનભાઈ મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા ઉપસ્થિત રહ્યા હતા. HUDA મુદ્દે રજૂઆત માટે આવેલા આગેવાનો તથા ગ્રામજનોના તમામ મુદ્દાઓ કાળજીપૂર્વક સાંભળીને રાજ્ય સરકારે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવાના નિર્ણયને હાલ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.

નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, HUDA અંગે 11 ગામના ગ્રામજનો અને આગેવાનો સાથે છેલ્લા કેટલાય દિવસથી વાર્તાલાપ થઈ રહ્યો છે. જેમાં સરકાર સમક્ષ HUDA અંગે વિવિધ વિષયો વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ બેઠકમાં ચારેય મંત્રીઓ કમિટી સાથે વિચાર વિમર્શ કરીને હાલ પૂરતો હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવાના નિર્ણયને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. અગાઉના મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના સમયમાં પણ આ વિરોધને કારણે અસ્થાયી નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર આસપાસના 11 ગામને સમાવતા હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (હુડા)ના ડ્રાફ્ટ પ્લાન વિરુદ્ધ ગામલોકોએ વિરોધ કર્યો હતો. આ વિરોધના ભાગરૂપે બેરણા ગામે આવેલી ઉમિયા સમાજવાડી ખાતે હુડાની ‘લૌકિક ક્રિયા’ના ભાગરૂપે અનોખું ‘બેસણું’ યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો અને મહિલાઓ હાજર રહ્યાં હતાં.

‘બેસણા’ કાર્યક્રમમાં હુડાના ડ્રાફ્ટ પ્લાનને રદ કરવાની માંગ સાથે ‘લૌકિક ક્રિયા’ કરવામાં આવી હતી. આ ક્રિયા બાદ સમાજવાડીમાં મહિલાઓએ ‘છાજીયા’ લઈને પોતાનો આક્રોશ અને દુઃખ વ્યક્ત કર્યું હતું. હુડા સંકલન સમિતિ દ્વારા આ ‘બેસણા’માં આગામી આંદોલનાત્મક કાર્યક્રમોની પણ જાહેરાત કરવામાં આવી હતી. સમિતિએ જણાવ્યું હતું કે, આ મુદ્દે સ્થાનિક ધારાસભ્યથી લઈને મુખ્ય પ્રધાન સુધી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, કોઈ સંતોષકારક નિર્ણય લેવામાં આવ્યો નહોતો.

10 સપ્ટેમ્બરે જાહેર થયો હતો શહેરનો વિકાસ નકશો

હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (HUDA) ગત 10 સપ્ટેમ્બરે શહેરનો વિકાસ નકશો જાહેર કર્યો હતા. મુખ્ય કારોબારી અધિકારી ક્રિષ્ણા વાઘેલાએ દૈનિકપત્રોમાં વિકાસ નકશાની વિગતો પ્રસિદ્ધ કરાવી હતી. વિકાસ નકશામાં તાલુકાના 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોમાં પરબડા, ધાણધા, સવગઢ, કાટવાડ, બોરીયા ખુરાદ, પીપલોદી, હડીયોલ, કાંકણોલ, બેરણા, બલવંતપુરા અને નવા ગામનો સમાવેશ કરાયો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button