ગાંધીનગર

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, અનુસૂચિત જાતિના યુવાનોને અગ્નિવીર માટે તાલીમ આપશે

ગાંધીનગર : ગુજરાત સરકારે અનુસૂચિત જાતિના યુવાનો માટે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે અનુસૂચિત જાતિના યુવાનો રાષ્ટ્ર સુરક્ષાની સેવામાં જોડાઈને પોતાની કારકિર્દી બનાવે તે હેતુથી “સૂબેદાર રામજી સકપાલ યોજના” અંતર્ગત અગ્નિવીર પરીક્ષાની તૈયારી માટે તાલીમ આપવામાં આવશે. જેની માટે સરકારે આ વર્ષે રૂપિયા 51 લાખની જોગવાઈ કરી છે. આવી છે. આ યોજનાના સુયોગ્ય અમલીકરણ માટે ગાંધીનગર સ્થિત રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા યુવાનોને ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરાશે.

અનુસૂચિત જાતિના તાલીમાર્થીઓને તાલીમ અપાશે

આ યોજના હેઠળ રક્ષા શક્તિ યુનિવર્સિટી અનુસૂચિત જાતિના પસંદગી પામેલા 150 તાલીમાર્થીઓને 75 દિવસ માટે તાલીમ આપવામાં આવશે. આ યોજના હેઠળ તાલીમાર્થીને માત્ર તાલીમ જ નહિ પરંતુ રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક યુવાનને દર મહિને 1000 રૂપિયા લેખે રૂપિયા 2500 સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. આ સ્ટાઈપેન્ડની રકમ તાલીમાર્થીના એકાઉન્ટમાં સીધી DBT મારફતે ચૂકવવામાં આવશે.

યોજના માટે 17.5 વર્ષથી 21 વર્ષ સુધીના યુવાનોની પસંદગી કરાશે

અગ્નિવીરમાં ગુજરાતમાંથી સૌથી વધુ યુવાનો સફળ થાય તે માટે સૂબેદાર રામજી સકપાલ યોજના હેઠળ 17.5 વર્ષથી 21 વર્ષ સુધીના યુવાનોની પસંદગી કરવામા આવશે. આ તાલીમ માટે ઊંચાઈ 168 સે. મી., વજન 50 કિલોગ્રામ, છાતી 77+5 સે.મી.નું શારીરિક લાયકાતનું ધોરણ નક્કી કરાયું છે. આ યોજનાનો લાભ લેવા માટે શૈક્ષણિક ન્યૂનતમ લાયકાત ધો.10 રાખવામાં આવ્યું છે સાથે જ ધોરણ 10માં ઓછામાં ઓછા 45 ટકા હોવા પણ જરૂરી છે. આ માટે અરજીની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે. રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા મળેલી અરજીઓ પૈકી પ્રાથમિક તબક્કે શારીરીક કસોટી તથા લેખિત પરીક્ષા દ્વારા તાલીમાર્થીઓની પસંદગી સંપૂર્ણ પારદર્શીતાથી કરવામાં આવશે.

બજેટમા રૂપિયા 51 લાખની જોગવાઈ

સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા “સૂબેદાર રામજી સકપાલ યોજના” હેઠળ અનુસૂચિત જાતિના યુવાનોને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે રહેવા, જમવા, સ્ટાઈપેન્ડ, તાલીમ સહિતની બાબતો માટે રૂપિયા 51 લાખની જોગવાઈ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં આ યોજના અંતર્ગત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.

આપણ વાંચો:  રાજકોટમાં સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો, ત્રણ લોકોના મોત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button