Top Newsગાંધીનગર

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર; GAS કેડરના 16 અને આરોગ્ય વિભાગના 83 અધિકારીઓની બદલી

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરતા GAS કેડરના સિનિયર સ્કેલના 16 અધિકારીઓની સામૂહિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ સાથે જ આરોગ્ય વિભાગમાં પણ વ્યાપક ફેરબદલ જોવા મળી છે, જેમાં 83 અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે, તેમજ 10 ડ્રગ ઇન્સપેક્ટરોને ક્લાસ-1 અધિકારી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ ફેરફારો દ્વારા રાજ્યના મહત્વના વિભાગો જેવા કે આરોગ્ય, શિક્ષણ, નાગરિક પુરવઠો અને ગ્રામ વિકાસમાં વહીવટી ગતિશીલતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

બદલી પામેલા અધિકારીઓમાં કુમારી આર.કે. વાંગવાણીને ગાંધીનગર ખાતે દિવ્યાંગ વ્યક્તિઓના કમિશનરની કચેરીમાં ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે એમ.એસ. ગામિતને સુરતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં જોઈન્ટ ડાયરેક્ટરનો પદભાર સોંપવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વની નિમણૂક કરવામાં આવી છે, જેમાં પી.વી. વસાવાને ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીમાં અધિક નિયામક અને એ.જે. પટેલને ટેકનિકલ શિક્ષણ વિભાગમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત ટી.જે. વ્યાસને ગાંધીનગર ખાતે શાળાઓના નિયામકની કચેરીમાં સંયુક્ત નિયામક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

વિકાસ અને પ્રવાસન ક્ષેત્રે પણ અધિકારીઓની અદલાબદલી કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેક્ટર ડી.વી. વિઠ્ઠલાણીની બદલી વડોદરા ખાતે સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સીમાં જોઈન્ટ કમિશનર તરીકે થઈ છે. જ્યારે એચ.એમ. સોલંકીને ગુજરાત પ્રવાસન નિગમમાં ઓએસડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડૉ. આંબેડકર વનઝારાને પાટણ DRDA ના નિયામક તરીકે અને ડી.વી. વાલાને ગ્રામ વિકાસ કમિશનરની કચેરીમાં ડેપ્યુટી કમિશનર તરીકે જવાબદારી સોંપાઈ છે.

આરોગ્ય અને પંચાયત ક્ષેત્રે ફેરફારોની વાત કરીએ તો, આર.એન. ગબાણીને નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ચીફ પર્સનલ ઓફિસર (ગ્રામીણ) તરીકે નિયુક્ત કરાયા છે. રાજકોટ જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ આઈ.જી. ગોહિલને રાજકોટમાં જ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં જોઈન્ટ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે, જ્યારે સી.ડી. રાઠવાને રોજગાર અને તાલીમ વિભાગમાં અધિક નિયામક તરીકે ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. આ ફેરફારોથી રાજ્યના વિવિધ બોર્ડ અને નિગમોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરાઈ છે અને ઘણા અધિકારીઓને વધારાના ચાર્જમાંથી મુક્તિ મળી છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના વિવિધ વિભાગોમાં કાયમી અધિકારીઓના અભાવે ‘ઇન્ચાર્જ’ થી ગાડું ગબડાવવામાં આવતું હતું. આ ગંભીર મુદ્દો ‘મુંબઈ સમાચાર’ દ્વારા સતત ઉઠાવવામાં આવ્યા બાદ સરકારે મોટાભાગની જગ્યાઓ પર પૂર્ણકાલીન કમિશનર અને ડાયરેક્ટરોની નિમણૂક કરી દીધી છે. તે ઉપરાંત ડુપ્લિકેટ ડ્રગ્સના દૂષણને ઉઘાડું પાડવા માટે જે ઝુંબેશ ચલાવવામાં આવી હતી, તેના પ્રતિસાદરૂપે આરોગ્ય વિભાગમાં મોટા ફેરફારો કરાયા છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button