ગુજરાત સરકારે કૃષિ રાહત પેકેજ માટે અરજી કરવાની સમય મર્યાદા વધારી

ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વાર પાક નુકસાની માટે 10 હજાર કરોડના કૃષિ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. આ સહાય પિયત અને બિનપિયત માટે એક સમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 22000 ચૂકવાશે, એમાં 16500 ગામના ખેડૂતોને લાભ મળશે. આ સહાય પેકેજનો લાભ આપવા 14મી નવેમ્બરના રોજ બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી અરજી સ્વીકારવામાં આવી રહી હતી. જોકે, હવે આ અરજીની સમયમર્યાદામાં 7 દિવસનો વધારો કરાવમાં આવ્યો છે.
5 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
કૃષિ સહાયનો લાભ લેવા માટે ગુજરાતના ખેડૂતો આગામી 5 ડિસેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તથા ડેપ્યુટી મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કૃષિ પ્રધાન જીતુ વાઘાણી દ્વારા આની જાહેરાત કરવામાં આવી હતી. જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, કોઈપણ નુકસાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે અરજી કરવા સમય મર્યાદા વધારવામાં આવી છે.
ખેડૂતોનો સર્વે નથી થયો તે પણ અરજી કરી શકે
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના તમામ નુકસાનગ્રસ્ત ખેડૂતોને અપીલ કરી હતી કે, જેઓએ હજુ સુધી અરજી કરી નથી તેઓ આવતા 7 દિવસમાં અવશ્ય અરજી કરે અને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ મેળવે. રાજ્ય સરકારે 7 નવેમ્બરે 44 લાખ હેક્ટર જમીનમાં 100 ટકા નુકસાન ગણીને નિર્ણય કર્યો હતો.
10 હજાર કરોડના આ પેકેજમાં 6429 કરોડ એસડીઆરએફ અને 3386 કરોડ રાજ્યના બજેટમાંથી ફાળવ્યા હતા. આમ, કુલ 9815 કરોડ થયા હતા, જોકે જે ખેડૂતોનો સર્વે નથી થયો તે પણ અરજી કરી શકે અને જો પાત્રતા હશે તો તેને પણ સહાય ચૂકવાય જેથી આ સહાય વધારીને 10 હજાર કરોડ કરવામાં આવી હતી.



