ગાંધીનગર

સરકારી સેવાઓમાં ગુંજશે માતૃભાષા, ગુજરાત સરકાર ‘ભાષિણી’ ટૂલ્સ વડે ડિજિટલ ક્રાંતિ લાવવા સજ્જ

ગાંધીનગરઃ AI આધારિત ‘ભાષિણી’ ટૂલ્સ થકી ગુજરાતી સહિત દેશની વિવિધ સ્થાનિક ભાષાઓનો વધુ સારો ઉપયોગ થઈ શકશે. પોતાની ભાષા અને બોલી જાળવી રાખવી એ આપણા સૌની ફરજ છે. ભારત વિવિધતા ધરાવતો દેશ છે એટલે જ દરેક પ્રદેશની બોલી-ભાષા અલગ અલગ છે. ડિજિટલ યુગમાં ભાષિણી ટૂલ્સના માધ્યમથી હવે અંગ્રેજી સહિત કોઈપણ ભાષામાંથી તેનું સ્થાનિક ભાષામાં ભાષાંતર કરી શકાય છે, જેથી વિષય-ભાષાને સમજવામાં વધુ સરળતા રહેશે, તેમ આજે ગાંધીનગર ખાતે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પ્રધાન અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું.

ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ અને ભારત સરકારના MeitY અંતર્ગત ‘ડિજિટલ ઈન્ડિયા ભાષિણી’ ના સંયુક્ત ઉપક્રમે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પ્રધાન અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ‘ભાષિણી રાજ્યમ – ગુજરાત ચેપ્ટર’ વિષય પર એક દિવસીય રાજ્યકક્ષાના વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાને ‘અક્ષર દ્રષ્ટિ’ પોર્ટલનું લોન્ચિંગ કરીને નાગરિકોની સેવામાં કાર્યરત કર્યું હતું. આ સમગ્ર વર્કશોપ દરમિયાન સરકારી સેવાઓમાં ભાષાંતરની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે વધારવો તે અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ભાષાના કારણે કોઈપણ કામ અટકવું જોઈએ નહીં

મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભાષાના કારણે કોઈપણ કામ અટકવું જોઈએ નહીં તેવા મંત્ર સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘ડિજિટલ ઇન્ડિયા’ અંતર્ગત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ- AI આધારિત ભાષિણી ટૂલ્સ વિકસાવવામાં આવ્યું છે. જેના અમલથી ભારતીયોને વૈશ્વિક સ્તરે સંવાદ કરવામાં ખૂબ જ સરળતાની સાથે અન્ય ઉપર આધારિત રહેવું નહીં પડે અને કામમાં વધુ ઝડપ આવશે.

જાપાનમાં એક પણ સાઈન બોર્ડ અંગ્રેજીમાં નથી

તેમણે જાપાનનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, જાપાનમાં એક પણ સાઈન બોર્ડ અંગ્રેજી ભાષામાં નથી પરંતુ તેની પોતાની ભાષામાં છે. આગામી સમયમાં શાળા, કોલેજ અને વિશ્વવિદ્યાલયમાં પણ આ ટૂલ્સના ઉપયોગથી વિદ્યાર્થીઓ વધુ ભાષાઓ સમજી અને શીખી શકશે જેથી તેમના જ્ઞાનમાં વધારો થશે.

પ્રધાને કહ્યું હતું કે, AI આધારિત ‘ભાષિણી’ પોર્ટલ થકી ગુજરાત સરકારની વેબસાઈટ અને પરિપત્રોને પણ અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવી શક્યા છીએ. રાજ્ય સરકારની બહુભાષી ડિજિટલ શાસનને પ્રોત્સાહન આપતી રાષ્ટ્રીય પહેલ ભાષિણી વિષયક આ એક દિવસીય વર્કશોપ કર્મચારીઓ-અધિકારીઓ માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે.

તેમણે કહ્યું કે, અસરકારક અને સમાવેશી જાહેર સેવા પ્રદાન માટે ભાષા એક મહત્વપૂર્ણ સાધન છે. નાગરિકોને સમજાય તેવી ભાષામાં સેવાઓ ઉપલબ્ધ થાય ત્યારે જ ડિજિટલ ગવર્નન્સના હેતુઓ સિદ્ધ થાય છે. ગુજરાતમાં મોટા ભાગના નાગરિકો ગુજરાતી તથા અન્ય ભારતીય ભાષાઓમાં સંવાદ કરવાનું પસંદ કરે છે. તેથી સરકારી સેવાઓમાં ભાષા અવરોધ ન બને તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે.

પ્રધાને મોઢવાડિયાએ કહ્યું કે, કેન્દ્ર સરકારના MeitY દ્વારા ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ શરૂ કરાયેલ ભાષિણી ભાષાંતર, અવાજ આધારિત સેવા અને બહુભાષી AI સુવિધાઓ માટે એક સામાન્ય રાષ્ટ્રીય પ્લેટફોર્મ પુરુ પાડે કરે છે. ભાષિણીના અમલથી નાગરિક સેવા પોર્ટલ, હેલ્પડેસ્ક, ચેટબોટ અને અવાજ આધારિત સેવાઓને સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ કરી શકાય છે, જેના દ્વારા વધુ પારદર્શિતા, સુલભતા અને સમાવેશિતા આવે છે. આ રાષ્ટ્રીય ડિજિટલ પહેલમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે હંમેશા અગ્રેસર ભૂમિકા ભજવી છે તેમ, જણાવી ભાષિણી ટૂલ્સનો મહત્તમ ઉપયોગ કરીને તેને જન-જન સુધી લઈ જવા પ્રધાને સૌને અનુરોધ કર્યો હતો.

AI આધારિત ભાષિણી ટૂલ્સ ખૂબ જ મહત્વપૂર્ણ

ભારતીય ભાષાઓને જાણવા માટે હવે AI આધારિત ભાષિણી ટૂલ્સ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. જે AI આધારિત ટૂલ્સ હોવાથી તેમાં નાના-મોટા સુધારા-વધારા કરવા જરૂરી છે. ટેકનોલોજીના માધ્યમથી ભાષિણીમાં સમયાંતરે શોધ અને સંશોધન થઈ રહ્યા છે જે તેને વધુ શ્રેષ્ઠ, સચોટ અને સરળ બનાવશે તેવું અમિતાભ નાગે ઉમેર્યું હતું. આ પ્રસંગે તેમણે અંગ્રેજીમાં કરેલા સમગ્ર સંબોધનનું ભાષિણી ટૂલ્સ થકી ગુજરાતીમાં લાઈવ ટ્રાન્સલેશન કરીને બતાવવામાં આવતું હતું.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button