ગાંધીનગર

શિક્ષકોને ‘શ્વાન’ ગણવાની કામગીરીના આદેશથી વિવાદ, કોંગ્રેસે સરકારને આડેહાથ લીધી

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર:
રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે, જેના મુદ્દે ભારે હોબાળો મચ્યો છે.

કમિશનર શાળાઓની કચેરીએ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખીને આ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપી છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી રિટ પિટિશનના સંદર્ભમાં હોસ્પિટલો, બસ સ્ટેશનો અને રેલ્વે સ્ટેશનોની જેમ જ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ શ્વાનોની હાજરી અંગેનો ડેટા ઉપલબ્ધ રાખવો હવે અનિવાર્ય બન્યો છે.

આ આદેશ અનુસાર, જિલ્લા શિક્ષણાધિકારીઓએ તેમના અધિકારક્ષેત્ર હેઠળ આવતી તમામ શાળાઓ, કચેરીઓ અને કેમ્પસ વિસ્તારોમાં શ્વાનોનો સર્વે કરાવી તેનો સંક્ષિપ્ત અહેવાલ તૈયાર કરવાનો રહેશે.

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડના સંકલનમાં રહીને આ કામગીરી હાથ ધરવાની રહેશે અને જિલ્લાવાર તૈયાર થયેલો આ અહેવાલ જિલ્લા શિક્ષણાધિકારીના સહી-સિક્કા સાથે આગામી ૩ દિવસમાં રૂબરૂ જમા કરાવવાનો રહેશે. સુપ્રીમ કોર્ટ સાથે જોડાયેલી બાબત હોવાથી આ પ્રક્રિયાને ‘ટોચની અગ્રતા’ આપી સમયમર્યાદામાં પૂર્ણ કરવા કડક સૂચના આપવામાં આવી છે.

આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ શિક્ષણ વિભાગની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં 40,000 શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવા છતાં કાર્યરત શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની 60 થી વધુ પ્રકારની કામગીરી લેવામાં આવતી હોવાથી શિક્ષણ વ્યવસ્થા કથળી રહી છે.

અગાઉ તીડ ભગાડવા, શૌચાલય ગણવા અને સસ્તા અનાજની દુકાને લાઈનો કરાવવા જેવી બિનશૈક્ષણિક કામગીરી બાદ હવે પરીક્ષાના સમયે જ શ્વાનોની ગણતરીનો ભાર સોંપાતા શિક્ષકો માનસિક તાણ અનુભવી રહ્યા છે, જેના કારણે એક સમયે દેશમાં અગ્રેસર રહેલું ગુજરાતનું શિક્ષણ આજે 19મા કે 21મા ક્રમે ધકેલાઈ ગયું છે.

સરકાર સુપ્રીમ કોર્ટના આદેશના અમલીકરણ માટે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાને બદલે માત્ર શિક્ષકો પર જ કેમ નિર્ભર રહે છે તેવો વેધક પ્રશ્ન ઉઠાવી, ડૉ. દોશીએ આ પરિપત્ર તાત્કાલિક રદ કરી શૈક્ષણિક કાર્યને પ્રાથમિકતા આપવાની માંગ કરી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button