ગાંધીનગર

ગુજરાતમાં 25 ટકા ગુનાઓ ચાર મહાનગરોમાં નોંધાય છે; પોલીસે ‘SHASHTRA’ પ્રોજેક્ટ લાગુ કર્યો

ગાંધીનગર: આધુનિક ટેકનોલોજી અને સોફ્ટવેરની મદદ લઇને ગુજરાત પોલીસ રાજ્યની સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવા પ્રયાસ કઈ (Gujarat Police) રહી છે. ગુજરાત પોલીસ e-GujCop ના ડેટાનો અભ્યાસ કરીને ફિઝીકલ ક્રાઈમ હોટ સ્પોટનું એનાલિસિસ કરે છે. એનાલિસિસના તારણો મુજબ રાજ્યના 4 મુખ્ય કમિશનરેટ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના 33 એવા પોલીસ સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે, જ્યાં સાંજે 6 વાગ્યાથી મધ્યરાત્રિના 12 વાગ્યા દરમિયાન વધુ ફિઝીકલ ક્રાઈમ થઇ રહ્યા છે.

મહાનગરોમાં ક્રાઈમ વધુ:

ગુજરાત પોલીસે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં બનેલા ફિઝીકલ ક્રાઈમનું એનાલિસિસ કરતા જાણવા મળ્યું કે સમગ્ર રાજ્યમાં થયેલા કુલ ફિઝીકલ ક્રાઈમમાંથી આશરે 25 ટકા ગુનાઓ ચાર મહાનગરોમાં થયા છે. તારણોમાં એવું પણ જોવા મળ્યું છે કે 45 ટકા ગુનાઓ સાંજે 6 વાગ્યાથી મધ્યરાત્રિના 12 વાગ્યાની વચ્ચે થયા છે.

ક્રાઈમ હોટસ્પોટ:

તારણોમાં એ પણ જાણવા મળ્યું કે અમદાવાદના 50 પોલીસ સ્ટેશનોમાંથી 12 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 50 ટકાથી વધુ ફિઝીકલ ક્રાઈમના કેસ નોંધાયા છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સુરતના 33 પોલીસ સ્ટેશનોમાંથી 9, વડોદરાના 27 પોલીસ સ્ટેશનોમાંથી 7 અને રાજકોટના 15 પોલીસ સ્ટેશનોમાંથી 5માં 50 ટકાથી વધુ ગુનાઓ નોંધાઈ રહ્યા છે.

‘SHASTRA’ પ્રોજેક્ટ:

ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા એનાલિસિસ પછી ડીજીપી વિકાસ સહાયે ફિઝીકલ ક્રાઈમ રોકવા માટે ચાર મહાનગરોના 33 પોલીસ સ્ટેશનોમાં ‘SHASTRA’ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. આમાં ‘ઇવનિંગ પોલીસિંગ’ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

SHASTRA પ્રોજેક્ટ હેઠળ, શહેરોના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા મજબૂત બનાવવા માટે સાંજે 6 વાગ્યાથી મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી સ્પેશિયલ પોલીસ ટીમો તૈનાત કરવામાં આવશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 33 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. દરેક પોલીસ સ્ટેશનમાં SHASTRA ટીમો તૈનાત કરવામાં આવશે.

આ 33 મુખ્ય પોલીસ સ્ટેશનો હેઠળ આવતા વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ પર દરોડા પાડવામાં આવશે અને પગપાળા પેટ્રોલિંગ વધારવામાં આવશે. સઘન વાહન ચેકિંગ અને નાકાબંધી કરવામાં આવશે. શંકાસ્પદ વ્યક્તિઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad મેટ્રોના મુસાફરોને મળશે મોટી રાહત, અમદાવાદ ગાંધીનગર વચ્ચે ટ્રેનની ફ્રિકવન્સી વધારાઈ

SHASTRA પ્રોજેક્ટ હેઠળ આ પોલીસ સ્ટેશન વિસ્તારનો સમાવેશ:

ગુજરાતના મુખ્ય કમિશનરેટ – અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 33 પોલીસ સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં ગોમતીપુર, કાગડાપીઠ, રામોલ, દાણીલીમડા, અમરાઈવાડી, બાપુનગર, વેજલપુર, શાહીબાગ, નરોડા, સોલા હાઈકોર્ટ, ઈસનપુર, નારોલ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. જ્યારે, સુરત શહેરના ડિંડોલી, અમરોલી, પાંડેસરા, લિંબાયત, સરથાણા, કાપોદરા, ભેસ્તાન, ઉત્તરણ, પુણે પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. વડોદરામાં માંજલપુર, ગોરવા, ફતેગંજ, મકરપુરા, પાણીગેટ, કપુરાઈ, હરણી પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે, જ્યારે રાજકોટ શહેરમાં બી ડિવિઝન, ગાંધીધામ 2 (યુનિવર્સિટી), આજીડેમ, થોરાળા, ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button