ગુજરાત મગફળીના ઉત્પાદનમાં ઈતિહાસ રચશે, રેકોર્ડ બ્રેક ઉત્પાદનનો અંદાજ

ગાંધીનગર : દેશના કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો આજે 50 ટકાથી પણ વધુ છે. તેમજ ચાલુ વર્ષે મગફળીના સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ 25 ટકાના વધારા સાથે 22 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષે ગુજરાતનું મગફળી ઉત્પાદન 66 લાખ મેટ્રિક ટન થવાનો પ્રાથમિક અંદાજ છે.
22 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યમાં મગફળીના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2018 -19 માં રાજ્યમાં કુલ 15.94 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું હતું. જેની સામે ચાલુ વર્ષે મગફળીના સમાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ 25 ટકાના વધારા સાથે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 22 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. રાજ્યમાં મગફળીનું ઉત્પાદન પણ વર્ષ 2018-19 માં 22 લાખ મેટ્રિક ટનથી વધુ નોંધાયું હતું. ગત વર્ષ 2024-25 માં 30 લાખ મેટ્રિક ટનના વધારા સાથે કુલ 52.20 લાખ મેટ્રિક ટન નોંધાયું હતું.
ટેકાના ભાવે ખરીદી કરાશે
કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે સરકાર દ્વારા મગફળી માટે વાવેતર અગાઉ જ લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરીને તેમની પાસેથી દર વર્ષે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020-21માં ગુજરાતના એક લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂપિયા 1068 કરોડના મૂલ્યની કુલ 2 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી.
રાજ્યમાં 3.67 લાખથી વધુ ખેડૂતો
ગત વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં થયેલા મગફળીના પુષ્કળ ઉત્પાદનના પગલે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની અત્યાર સુધી સૌથી રેકોર્ડબ્રેક ખરીદી કરી હતી. જેમાં રાજ્યના 3.67 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 8295 કરોડના મૂલ્યની કુલ 12.22 લાખ મેટ્રિક ટન મગફળીની બમ્પર ખરીદી કરવામાં આવી હતી. આ વર્ષે પણ ખેડૂતો પાસેથી પૂરતી માત્રામાં મગફળીની ખરીદી કરવામાં આવશે.
મગફળીના વાવેતર વિસ્તારમાં સતત વધારો
મંત્રીએ જણાવ્યું હતું કે, તાજેતરનાં વર્ષોમાં મગફળીના વધેલા બજાર ભાવ, સરકાર દ્વારા જાહેર કરાતા ઊંચા લઘુતમ ટેકાના ભાવ, ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સરકાર દ્વારા થતી સીધી ખરીદી અને મગફળીમાં વધારે ઉત્પાદન આપતી નવી જાતોના સંશોધનોના પરિણામે ગુજરાતમાં મગફળીનો વાવેતર વિસ્તાર સતત વધી રહ્યો છે.
મગફળીનું સારું ઉત્પાદન મેળવવા અત્યારે ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કૃષિ યુનિવર્સિટીઓ અને ભારતીય મગફળી સંશોધન સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલી ગુજરાત ગ્રાઉન્ડનટ-20, 32, 39, 23 નંબર અને ગિરનાર-4 જેવી લોકપ્રિય જાતોનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવે છે.
આપણ વાંચો: અમદાવાદમાં એન્કાઉન્ટર, ગ્વાલિયરના કુખ્યાત આરોપીના પગમાં ગોળી મારતા ઘાયલ