ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં કરશે શાહી સ્નાન, જાણો વિગત
ગાંધીનગરઃ હાલ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 8.81 કરોડથી વધુ શ્રદ્ધાળુ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ મહાકુંભમાં સ્નાન કરશે. 3 ફેબ્રુઆરીના રોજ તેઓ શાહી સ્નાન કરશે. આ દિવસે વસંત પંચમી છે અને મહાકુંભનું ચોથું શાહી સ્નાન થશે. આ ઉપરાંત મુખ્ય પ્રધાન ગુજરાત પેવેલિયનની પણ મુલાકાત લેશે. મહાકુંભ દરમિયાન સંગમ સન્નાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે. મહાકુંભ મેળાનું સમાપન 26 ફેબ્રુઆરી, 2025ના રોજ થશે. આ દિવસે મહાકુંભનું અંતિમ શાહી સ્નાન થશે.
ગૌતમ અદાણી મહાકુંભમાં આજે કરશે પૂજા-અર્ચના
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પણ આજે ત્રિવેણી સંગમમાં પૂજા-અચર્ચના કરશે અને બડે હનુમાનજીના દર્શન કરશે. અદાણી ગ્રુપ મહાકુંભમાં ઈસ્કોન અને ગીતા પ્રેસ સાથે મળીને શ્રદ્ધાળુઓની સેવા કરી રહ્યું છે. મહાકુંભ મેળામાં દરરોજ લાખો શ્રદ્ધાળુઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગૌતમ અદાણી તેમની યાત્રા દરમિયાન ઈસ્કોન પંડાલમાં આયોજિત ભંડારા સેવામાં પણ સામેલ થશે. અદાણી ગ્રુપ ગીતા પ્રેસ સાથે મળીને એક કરોડ આરતી સંગ્રહના વિતરણનું કામ કરે છે. આ આરતી સંગ્રહ શ્રદ્ધાળુઓને ધાર્મિક અને આધ્યાત્મિક સાહિત્ય પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ છે. તેમજ શ્રદ્ધાળુઓની મદદ માટે વાહન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. અદાણી ગ્રુપની પહેલ મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓ માટે મદદગાર સાબિત થઈ રહી છે.
આ પણ વાંચો…સુરતમાં પ્રેમી સાથે શરીર સંબંધથી પ્રેમિકા થઈ ગર્ભવતી, કહ્યું- સાથે આપઘાત કરીશું ને પછી….
મહાકુંભમાં સ્નાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે
મહાકુંભ દરમિયાન દરરોજ અહીં સ્નાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. કુંભ મેળા દરમિયાન ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવી સનાતન ધર્મમાં અતિ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ કેટલીક ખાસ એવી તારીખો છે જેને શાહી સ્નાનની તિથિ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ડૂબકી લગાવવાથી જીવનના તમામ પાપ ધોવાઈ જાય છે.