ગાંધીનગર

ગુજરાતમાં સીએમ ભુપેન્દ્ર પટેલે રૂપિયા 11,360 કરોડના 27 પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિકાસને વધુ વેગ આપતાં 146 જેટલા હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સની કામગીરીની પ્રગતિની નિયમિત સમીક્ષા માટે સમયાંતરે રિવ્યુ મીટિંગ યોજવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. આ અંગે ગાંધીનગરમાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં રૂપિયા 11,360 કરોડના કુલ 27 પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત રેલવે સંબંધિત 4 પ્રોજેક્ટ્સ, ઉદ્યોગ અને ખાણ વિભાગને સ્પર્શતા 6 અને શહેરી વિકાસ વિભાગના 15 પ્રોજેક્ટની પ્રગતિ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન અને સમીક્ષા થઈ હતી.

27 પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગેની તલસ્પર્શી સમીક્ષા

મુખ્યમંત્રીએ બુધવારે યોજેલી સમીક્ષા બેઠકમાં જે 27 પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગેની તલસ્પર્શી સમીક્ષા કરી તેમાં રેલવેને સ્પર્શતા રૂ.4190 કરોડના છ રેલવે પ્રોજેક્ટની કામગીરી અંતર્ગત સામખીયાળી-ગાંધીધામ રેલવેના ચાર માર્ગીયકરણ, રાજકોટ-કાનાલુસ 122 કિ.મી લાઈનનું ડબલિંગ, નલિયા અને વયોર વચ્ચે નવી બ્રોડગેજ લાઈન, મોટી આદરજ વિજાપુર ગેજ કન્વર્ઝન, વિજાપુર- આંબલીયાસણ ગેજ કન્વર્ઝન અને નલિયા – જખૌ નવી લાઈનના પ્રોજેક્ટ એમ રાજ્યમાં હાથ ધરાઈ રહેલા રેલવે પ્રોજેક્ટ્સની સમીક્ષા રેલવે અધિકારીઓની ઉપસ્થિતિમાં કરી હતી.

આ પણ વાંચો: કચ્છના વિકાસને વેગ મળશે, સીએમ ભુપેન્દ્ર પટેલે 680 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી…

ધોલેરા ગ્રીન ફિલ્ડ એરપોર્ટની મોટા ભાગની કામગીરી પૂર્ણ

આ ઉપરાંત ઉદ્યોગ ખાણ વિભાગ સંબંધિત પ્રોજેક્ટ અન્વયે ધોલેરામાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ ફેઝ-1નું ડેવલપમેન્ટ, નવસારીના પીએમ મિત્રા પાર્કમાં 65 એમ.એલ.ડી. પાણી પુરવઠા યોજના, બલ્ક ડ્રગપાર્ક ડેવલોપમેન્ટ, મોરબીના રફાળેશ્વરના ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલનું બાંધકામ અને ભરૂચના સાયખામાં 90 એમ.એલ.ડી.ની ડીપ સી ઈફ્લુએન્ટ ડિસ્પોઝલ પાઇપલાઇન વગેરેના 3657.62 કરોડની કિંમતના 6 પ્રોજેક્ટ્સની પ્રગતિ સમીક્ષા થઈ હતી. ધોલેરા એસ.આઈ.આર.ના સી.ઈ.ઓ. કુલદીપ આર્યએ ગ્રીન ફિલ્ડ એરપોર્ટની મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ છે તે અંગે તેમજ જેટકો દ્વારા 66 કે.વી. સબ સ્ટેશન માટે અને સિંચાઈ વિભાગ દ્વારા તેમના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે તેની જાણકારી આપી હતી.

ઝુપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટની પ્રગતિ અંગે બેઠકમાં સમીક્ષા

શહેરી વિકાસ વિભાગને સ્પર્શતા 15 પ્રોજેક્ટ્સ અંતર્ગત સ્માર્ટ સિટી મિશનમાં અમદાવાદમાં 14 મેગા વોટના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટના 1 થી 5 ફેઈઝ, ગાંધી આશ્રમ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની અને વાડજમાં પી.પી.પી. ધોરણે ઝુપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટની પ્રગતિ અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.

આ ઉપરાંત જામનગર લાલપુર બાયપાસ જંક્શન પરના ફોર લેન ફ્લાયઓવર, સુરત મહાનગરમાં બી.આર.ટી.એસ. ક્રોસિંગ ઉપરના ફોર લેન ફ્લાય ઓવર બ્રીજની પ્રગતિની જાણકારી બેઠકમાં આપવામાં આવી હતી. જૂનાગઢ શહેરના અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરી અંગે પણ શહેરી વિકાસ અગ્ર સચિવ થેન્નારસને વિગતો આપી હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button