ગાંધીનગર

ખેડૂતો રહો તૈયાર, કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદી માટેની તારીખો કરી જાહેર

ગાંધીનગરઃ કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં ચણા અને રાઇ પાકોની ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને આ માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરૂ આયોજન પણ કરાશે.

કૃષિ પ્રધાને ઉમેર્યું હતું કે, પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તા. ૧૩ ફેબ્રુઆરીથી ૦૫ માર્ચ, ૨૦૨૬ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી આધાર ઓથેન્ટીકેશન દ્વારા “ઈ-સમૃધ્ધિ” પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. VCE દ્વારા આ નોંધણી વિનામૂલ્યે કરવામાં આવશે, જેથી ખેડૂતોએ નોંધણી માટે એક પણ રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં.

રાજ્યના ચણા અને રાઇ પકવતા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી માટે સત્વરે નોંધણી કરાવી, આ યોજનાનો મહત્તમ લાભ લેવા કૃષિ પ્રધાને અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે રવિ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર ચણા માટે રૂ. રૂ. ૫,૮૭૫ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૧૭૫ પ્રતિ મણ) અને રાઇ માટે રૂ. ૬,૨૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૨૪૦ પ્રતિ મણ) ભાવ જાહેર કરવામાં આવ્યો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button