ગુજરાતમાં 31 ઓક્ટોબરથી સાત દિવસ સતર્કતા જાગૃતિ સપ્તાહ 2025ની ઉજવણી

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે 31 ઓકટોબરથી 06 નવેમ્બર 2025 દરમિયાન સતર્કતા જાગૃતિ સપ્તાહ-2025ની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ગત તા. 10 સપ્ટેમ્બર ૨૦૨૫થી લઈને આગામી તા. 09 ડિસેમ્બર, 2025 સુધી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં પડતર ફરિયાદો-કેસોનો નિકાલ ક્ષમતાવર્ધન કાર્યક્રમો, મિલકત વ્યવસ્થાપન તથા સેવાઓ આપવામાં ડિજિટલ પહેલ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તાલીમ તથા મિલકત વ્યવસ્થાપન જેવી વિવિધ પ્રવૃત્તિઓ
આ સપ્તાહ દરમિયાન રાજ્ય સરકાર હસ્તકના તમામ વિભાગો, ખાતાના વડા અને તાબા હેઠળની કચેરીઓ, બોર્ડ-નિગમો, જાહેર સાહસો અને સ્થાનિક સત્તા મંડળો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે સત્ય નિષ્ઠાના શપથ, નિવારાત્મક તકેદારી થકી ભ્રષ્ટાચાર સામેની લડતના મહત્વ અંગે સહભાગીદારીથી આયોજન, પડતર ફરિયાદો તથા કેસોનો ખાસ ઝૂંબેશ દ્વારા નિકાલ, નિવારાત્મક તકેદારીના ભાગરૂપે પ્રણાલીગત સુધારા માટે ઝૂંબેશ, સેવાઓ આપવામાં ડિજિટલ પહેલ, તકેદારી અંગે જાગૃતિ, ક્ષમતાવર્ધન તાલીમ તથા મિલકત વ્યવસ્થાપન જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય તકેદારી આયોગ દ્વારા તા 27 ઓકટોબરથી 02 નવેમ્બર 2025 સુધી સતર્કતા જાગૃતિ સપ્તાહ-2025 ની ” સતર્કતા: આપણી સહિયારી જવાબદારી” ની થીમ આધારિત ઉજવણી કરવામાં આવવાની છે.



