ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ તૂટેલા રોડ રસ્તાઓને તાત્કાલિક રિપેર કરવાનો આદેશ

ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પછી જાહેર ધોરીમાર્ગો અને શહેરોને જોડનારા રસ્તાઓની બિસ્માર હાલત થઈ છે. રસ્તાઓ પરના મોટા ખાડાઓ પડવાથી જાહેર જનતાને વાહનો મારફત અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે ત્યારે સરકારે આ મુદ્દે મહત્ત્વનો નિર્ણય લેતા તાત્કાલિક રોડ-ખાડાઓને રિપેર કરવાનો નિર્ણય લીધો છે. આ મુદ્દે જાણીતા ગાયક આદિત્ય ગઢવીએ સોશિયલ મીડિયા પર અમદાવાદના રસ્તા મુદ્દે ધ્યાન દોર્યા પછી તંત્રની ઝાટકણી કાઢી હતી.
ગુજરાત કેબિનેટની આજે મળેલી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર રસ્તા તૂટી ગયા હોવાથી શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેબિનેટની બેઠકમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તૂટેલા રોડ અને રસ્તાઓ પર પડેલા ખાડાઓને રિપેર કરવાના આદેશ આપ્યો હતો.
આપણ વાંચો: ગુજરાતના મુખ્ય પ્રધાને કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોને શું કરી તાકીદ?
મળતી વિગત પ્રમાણે ગાંધીનગર ખાતે આજે મળેલી કેબિનેટની બેઠકમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાહત બચાવ, જળાશયોની સ્થિતિ અને કૃષિ વિભાગ દ્વારા વાવેતર સહિતની બાબતો કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી.
આ બેઠકમાં રાજ્યમાં તૂટેલા રસ્તાઓ અને ખાડાઓની પણ ખાસ નોંધ લેવાઇ હતી. મુખ્ય પ્રધાને રાજ્યના તૂટેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા આદેશ આપ્યા હતા. મુખ્ય પ્રધાને પ્રધાનોને તેમના પ્રભારી વિસ્તારમાં રોડ રસ્તા, અને ખાડાની કામગીરીને પ્રાધાન્ય આપવા સૂચન કર્યું હતું.
આપણ વાંચો: કેબિનેટનો મોટો નિર્ણયઃ ગુજરાતની તમામ સરકારી કચેરીમાં સોલાર પેનલ લગાવાશે
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ જોરદાર વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. વરસાદ બાદ અનેક શહેરોમાં રોડ રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા હતા.
અહીં એ જણાવવાનું કે જાણીતા સિંગર આદિત્ય ગઢવીએ રોડ ટુ હેવન નામે વીડિયો શેર કરીને તંત્રની આકરી ઝાટકણી કાઢી હતી. અમદાવાદના ઉબડખાબડ રસ્તાઓ પરથી પસાર થતી વખતે કેટલી હાલાકી પડે છે એનો વીડિયોમાં નિર્દેશ કર્યો હતો.