ગુજરાતના છેવાડાના તાલુકાઓમાં GIDC બનાવવાનું સરકારનું લક્ષ્ય: ઉદ્યોગ પ્રધાન
અધ્યક્ષે ધારાસભ્યોને માહિતી માટે પ્રશ્નોત્તરીનો ઉપયોગ નહીં કરવાની કરી ટકોર

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતાં ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના છેવાડાના તાલુકાઓમાં નવીન ઔદ્યોગિક જીઆઈડીસીનું નિર્માણ અને વિસ્તાર કરવાનું રાજ્ય સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં 7 પ્લોટ અને 4 શેડ તેમજ પાવી જેતપુરમાં 10 પ્લોટ અને 2 શેડની ફાળવણી કરવામાં આવી છે.
પેટા પ્રશ્નના જવાબમાં પ્રધાન રાજપૂતે કહ્યું હતું કે શહેર નજીક આવેલી સરકારી જમીન પર નવી જીઆઈડીસી જરૂરિયાત મુજબ બનાવવામાં આવે છે. જેમાં પરિવહન સુવિધા, હાઈ-વે, વીજળી, પાણી પુરવઠો અને રેલવે કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખવામાં આવે છે. સ્થાનિક યુવાનોને પૂરતી રોજગારી મળે તે માટે રાજ્ય સરકાર કોઈપણ તાલુકો જીઆઈડીસી વગરનો ન રહે તે માટે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણયઃ GIDCને જમીન ફાળવણીની નીતિમાં સુધારો
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળમાં પ્રધાન બલવંતસિંહ રાજપૂતે મહાકુંભના સફળ આયોજન બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પણ અભિનંદન પાઠવ્યા હતા.
અધ્યક્ષે કરી ટકોર
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્યોને કહ્યું, માહિતી માટે પ્રશ્નોત્તરીનો ઉપયોગ ન કરવા ટકોર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે ગૃહ બેસ્ટ ફોરમ છે, તમે માહિતી માટે આરટીઆઈ, એમએલએ માહિતી પત્રથી વિગત મેળવી શકો છે.