
ગાંધીનગરઃ ગુજરાત ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના પ્રદેશ પ્રમુખને લઈ કમલમમાં ધમધમાટ શરૂ થયો હતો. પ્રદેશ પ્રમુખ માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચૂંટણી સંબંધિત કાર્યક્રમ પણ જાહેર થયો હતો. નવા પ્રદેશ પ્રમુખની વાત કરીએ તો જૂની અટકળો પ્રમાણે ઓબીસી (અન્ય પછાત વર્ગ)ના ઉમેદવાર પણ મહોર મારવામાં આવે તો નવાઈ નહીં.
આવતીકાલે સવારે અગિયાર વાગ્યાથી બે વાગ્યા સુધી ફોર્મ ભરવામાં આવશે. બપોરે ત્રણથી ચાર કલાક દરમિયાન ફોર્મ ચકાસણી થશે અને સાંજે 5.30 સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. શનિવારે સવારે દસથી 11 સુધીમાં મતદાન થશે. મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત બપોરના 12 વાગ્યાની આસપાસ કરવામાં આવશે.
કમલમમાં છેલ્લા કેટલાક દિવસોથી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સંગઠનમાં નવા નેતૃત્વ માટે ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસ સામે મજબૂત વ્યૂહરચના ઘડવા માટે તેમ જ આવનારા વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત કરવા ભાજપ તત્પર છે. કાર્યકરો અને નેતાઓમાં ઉત્સુકતા છે કે કયો ચહેરો નવા અધ્યક્ષ તરીકે સામે આવશે અને આગામી ચૂંટણીમાં પક્ષને વિજયી બનાવવા માટે નેતૃત્વ કરશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા અધ્યક્ષની પસંદગી અત્યંત મહત્વપૂર્ણ રીતે કરવામાં આવશે. રાજ્યના વિવિધ વિભાગો, મોરચાઓ અને સંગઠનના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આખરી નિર્ણય લેવાશે. નવા પ્રદેશપ્રમુખની જાહેરાત થતાં જ કાર્યકરોમાં નવો ઉત્સાહ જાગશે. ભાજપ માટે આગામી સમયગાળો અત્યંત નિર્ણાયક છે, કારણ કે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો સંગઠનાત્મક રીતે સક્રિય બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સંગઠનને વધુ મજબૂત કરવા અને કાર્યકરોમાં નવા ઊર્જા ભરી દેવા નવા અધ્યક્ષનું નેતૃત્વ કામ કરશે.
અગાઉ રાજકીય નિષ્ણાતોએ કરેલા દાવા પ્રમાણે ઓબીસીમાંથી કોઈને નેતૃત્વ સોંપી શકાય છે, જેમાં ત્રણ નામ મોખરે હતા. જગદીશ વિશ્વકર્મા, મયંક નાયક તેમ જ દેવુસિંહ ચૌહાણના નામ ચર્ચામાં રહ્યા હતા, પરંતુ આગામી બે-ત્રણ દિવસમાં ચિત્ર વધારે સ્પષ્ટ થશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
અત્યાર સુધીના પ્રદેશપ્રમુખોની યાદી
નામ | કાર્યકાળ |
---|---|
એ. કે. પટેલ | 1982 – 1985 |
કાશીરામ રાણા | 1993 – 1996 |
વજુભાઈ વાળા | 1996 – 1998 |
રાજેન્દ્રસિંહ રાણા | 1998 – 2005 |
વજુભાઈ વાળા | 29 મે 2005 – 26 ઓક્ટોબર 2006 |
પરષોત્તમ રૂપાલા | 26 ઓક્ટોબર 2006 – 1 ફેબ્રુઆરી 2010 |
આર. સી. ફળદુ | 1 ફેબ્રુઆરી 2010 – 19 ફેબ્રુઆરી 2016 |
વિજય રૂપાણી | 19 ફેબ્રુઆરી 2016 – 10 ઓગસ્ટ 2016 |
જીતુ વાઘાણી | 10 ઓગસ્ટ 2016 – 20 જુલાઈ 2020 |
સીઆર પાટીલ | 20 જુલાઈ 2020થી આજ દિવસ સુધી |
આ પણ વાંચો…રાષ્ટ્રીય રાજકારણમાં વધશે ગુજરાતનું વર્ચસ્વ! જે પી નડ્ડાનું સ્થાન લઈ શકે છે સી આર પાટીલ