ગાંધીનગર

CR પાટિલે બાજુ પર મૂકી દીધેલાં મહિલા નેતાને જગદીશ પંચાલે બનાવ્યાં પ્રદેશ ઉપપ્રમુખ

સુરત/ગાંધીનગરઃ બે દિવસ પહેલા ગુજરાત ભાજપની નવી સંગઠન ટીમ જાહેર થઈ હતી. જેમાં 10 ઉપ પ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રીની નિમણૂક કરવામાં આવી હતી. જગદીશ પંચાલની નવી ટીમમાં CR પાટિલે બાજુ પર મૂકી દીધેલાં મહિલા નેતા ઝંખના પટેલને જગદીશ પંચાલે પ્રદેશ ઉપપ્રમુખ બનાવ્યા હતા.

ઝંખના પટેલ સુરતના પૂર્વ ધારાસભ્ય છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી નહોતી. તેમજ વિવિધ કાર્યક્રમોમાંથી પણ દૂર રાખવામાં આવતા હતા. જેના કારણે તેમના રાજકારણનો અંત આવી ગયો હોવાનું લાગતું હતું પરંતુ જગદીશ પંચાલે તેમને પ્રદેશ ઉપપ્રમુખ બનાવીને સૌને ચોંકાવી દીધા છે.

કોણ છે ઝંખના પટેલ

ઝંખના પટેલ પૂર્વ ધારાસભ્ય રાજા પટેલના પુત્રી છે. રાજા પટેલ 1985માં ભાજપમાં જોડાયા હતા. તેમના પિતા પણ કોળી સમાજના અગ્રણી નેતા હતા અને તેમણે ચોર્યાસી વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પિતાના વારસાને આગળ ધપાવતા ઝંખના પટેલે પણ સમાજમાં પોતાની પકડ જાળવી રાખી હતી.

રાજા પટેલે કાંઠા વિસ્તારમાં સરપંચ તરીકે તેમણે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી, એ સમયે ભાજપનું એટલું પ્રભુત્વ નહોતું, પરંતુ રાજા પટેલ ભારતીય જનતા પાર્ટી સમર્થિત સરપંચ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેમના વિસ્તારમાં સતત ભાજપ સમર્થિત વિચારધારાના લોકો સરપંચ બને એવો પ્રયાસ કર્યો હતો અને તેમાં તેઓ ખૂબ જ સફળ થયા હતા અને આ જ કારણ હતું કે તેઓ સતત દસ વર્ષ સુધી સરપંચ રહ્યા હતા. તેમની પકડ નાના નાના કાંઠા વિસ્તારનાં ગામોમાં ખૂબ જ મજબૂત હતી.

ઝંખના પટેલે શું કહ્યું

ઝંખના પટેલે કહ્યું, ભાજપ કોઈ પણ કાર્યકર્તાને ભૂલતી નથી. પક્ષ હંમેશા કાર્યકર્તાની કામગારીને ધ્યાનમાં રાખીને જવાબદારી સોંપે છે. પ્રદેશ ઉપપ્રમુખ બનાવવા બદલ તેણે વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સુરત ભાજપ હંમેશા બે મોટા નેતાઓના જૂથોમાં વહેંચાયેલું રહ્યું છે, પરંતુ ઝંખના પટેલની વિશેષતા એ રહી કે તેઓ કોઈ પણ જૂથમાં સામેલ થયા વગર પોતાની રીતે કાર્યરત રહ્યા. જૂથવાદના કારણે તેમને અનેકવાર અન્યાયનો સામનો કરવો પડ્યો, તેમ છતાં તેમણે પક્ષ સામે બગાવત કરવાને બદલે મૌન રહીને કામ કરવાનું પસંદ કર્યું હતું. જેના ફળ સ્વરૂપે તેમને પ્રદેશ ઉપપ્રમુખ બનાવાયા હતા.

ઝંખના પટેલ 2017ની વિધાનસભામાં સુરતની ચોર્યાસી બેઠક પરથી 1,10,819ની લીડથી જીત્યા હતા. અગાઉ 2016ની ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમના સ્થાને સંદીપ દેસાઈને ટિકિટ આપી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button