ગાંધીનગર

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ સોમવારથી, 18મીના બજેટ રજૂ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર:
ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા કામકાજનું કામચલાઉ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ બજેટ સત્રનો પ્રારંભ સોમવાર, ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ના રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવ સાથે થશે. ત્યાર બાદ શોકદર્શક ઉલ્લેખો અને સરકારી કામકાજ હાથ ધરવામાં આવશે. રાજ્યપાલના સંબોધન પર ત્રણ દિવસ સુધી વિગતવાર ચર્ચા ચાલશે, જેમાં ૧૯, ૨૦ અને ૨૩ ફેબ્રુઆરીનો સમાવેશ થાય છે.

આ સત્રમાં નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા ૧૮ ફેબ્રુઆરીના બજેટને રજૂ કરવામાં આવશે. તે જ દિવસે વર્ષ ૨૦૨૫-૨૬ના પુરક ખર્ચની માંગણીઓ તેમજ અગાઉના વર્ષો ૨૦૧૧-૧૨ અને ૨૦૧૮-૧૯ના વધારાના ખર્ચના નિવેદનો પણ રજૂ કરવામાં આવશે. બજેટ પરની સામાન્ય ચર્ચા ૨૫ ફેબ્રુઆરીથી શરૂ થઈને ૫ માર્ચ સુધી ચાલશે.

આપણ વાચો: Holi 2025: ગુજરાત વિધાનસભા પરિસરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યોએ ઉજવ્યું રંગપર્વ

માર્ચ મહિનાનું સમયપત્રક અત્યંત વ્યસ્ત રહેવાની ધારણા છે, જેમાં ૬ માર્ચથી ૨૩ માર્ચ સુધીના ૧૨ દિવસ દરમિયાન વિવિધ વિભાગોની અનુદાનની માંગણીઓ પર ચર્ચા અને મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.

આ સત્ર દરમિયાન ૪ માર્ચે ધુળેટી અને ૧૯ માર્ચે ચેટીચાંદની રજા રહેશે. આ ઉપરાંત શનિવાર અને રવિવારની નિયમિત રજાઓ બાદ કરતાં સત્રની કાર્યવાહી ૨૫ માર્ચ, ૨૦૨૬ના પૂર્ણ થવાની શક્યતા છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button