શકિતપીઠ Ambaji ના વિકાસ માટે 1405 કરોડના ખર્ચે અંબાજી કોરિડોર પ્રોજેકટ અમલી કરાશે

ગાંધીનગર : ગુજરાતના પવિત્ર યાત્રાધામ અને શકિતપીઠ અંબાજીના(Ambaji)વિકાસ માટે સરકાર પ્રયત્નશીલ છે. ત્યારે હવે રાજય સરકાર દ્વારા કુલ 66.15 હેકટર જમીનમાં અંદાજે રૂપિયા 1405 કરોડના ખર્ચે અંબાજી કોરિડોર પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા તારંગા હીલ અંબાજી આબુ રોડ કુલ 116.15 કિ.મી. લાંબી રેલ્વે લાઈનનું રૂપિયા 2798.16 કરોડની કિંમતે વિકાસ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સમૃદ્ધ કોરીડોરનું નિર્માણ
ગુજરાત વિધાનસભા ગૃહમાં માહિતી આપતા મંત્રીએ વધુમાં જણાવ્યું કે આ ઉપરાંત નમો શક્તિ એકસ્પ્રેસ-વે ડીસા-પીપાવાવ રોડ’ ની 430 કિ.મી. લંબાઈ માટે અંદાજીત રૂપિયા 36120 કરોડની વર્ષ 2025-26 ના બજેટમાં જોગવાઈ કરી છે. આ નમો શક્તિ એકસ્પ્રેસ-વે થી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લામાં સમૃદ્ધ કોરીડોરનું નિર્માણ થશે.
સારામાં સારો સફેદ આરસ પહાણ અંબાજીમાંથી મળે છે
આ ઉપરાંત ગુજરાતના 1600 કિ.મી. લાંબા દરિયા કિનારાના બંદરો સુધી માલ પરિવહન માટે રાજસ્થાન અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોના કન્ટેનર્સ અને ભારે વાહનો પાલનપુરમાંથી પસાર થતા હોય છે. દેશમાં સારામાં સારો સફેદ આરસ પહાણ અંબાજીમાંથી મળે છે. જે મંદિરો તથા જૈન દેરાસરમાં વિશાળ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે તેમજ તેની મોટા પ્રાણમાં નિકાસ પણ કરવામાં આવે છે.
નવા ચાર માર્ગીય બાયપાસ રસ્તાની મંજુરી
તેથી આ વિસ્તારમાં મોટા અને ભારે વાહનોની સતત અવર જવર રહે છે. જેથી દિન પ્રતિદિન વધતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા પાલનપુર શહેરમાં 24.53 કિ.મી. લંબાઈ અને 60 મીટર પહોળાઈના નવા ચાર માર્ગીય બાયપાસ રસ્તાની મંજુરી આપવામાં આવી છે, જે માટે રૂપિયા 1075 કરોડના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે.