
ગાંધીનગરઃ ગુજરાત વહીવટી સુધારણા પંચનો પાંચમો અહેવાલ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો હતો. પાંચમાં ભલામણ અહેવાલની મુખ્ય બાબત ડિજિટલ ગુજરાત 2.0 પોર્ટલ વિકસાવવા માટેની છે. આના પરિણામે કાર્ય પ્રણાલી સંપૂર્ણ રીતે ડિજિટલ થશે અને સરકાર તથા નાગરિકો વચ્ચેનો સંવાદ સુગમ બનશે.
એટલું જ નહીં, અરજીઓની રાહ જોવાને બદલે નાગરિકોની જરૂરિયાતોનું પૂર્વાનુમાન કરી શકાય તથા સ્માર્ટ એલર્ટ સિસ્ટમ દ્વારા નાગરિકોને તેમની યોગ્યતા મુજબ સામાજિક કલ્યાણ યોજનાઓ અને લાઇફસાયકલ આધારિત માર્ગદર્શન આપીને સક્રિય, નાગરિક-કેન્દ્રિત સેવા વિતરણ અમલમાં લાવવામાં આવે તેવું પણ આ અહેવાલમાં સૂચવવામાં આવ્યું હતું.
આપણ વાચો: નૂતન વર્ષે નગરદેવીના શરણે CM ભૂપેન્દ્ર પટેલ: શ્રી ભદ્રકાળી મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા…
આ અહેવાલમાં પંચે મુખ્ય નાગરિક સેવાઓ માટે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ વર્કફ્લોની ભલામણ કરી હતી. અરજીઓ, મંજૂરીઓ અને સ્ટેટસ અપડેટ્સ રિયલ ટાઇમમાં ઉપલબ્ધ થાય તેવી પારદર્શકતા, ઝડપ અને જવાબદારી વધે તથા એક પ્રમાણિત ફોર્મ અપનાવીને અનાવશ્યક દસ્તાવેજો અને સ્ટેમ્પ દૂર કરીને “લેસ પેપર-મોર ફેસેલિટીઝ”નું સ્વપ્ન સાકાર થાય તે દિશામાં પણ રાજ્ય સરકારને જર્ક દ્વારા સૂચનો આપવામાં આવ્યા છે.
રાજ્યના તમામ જનસેવા કેન્દ્રોને આધુનિક બનાવવા, સેવાઓ મેળવવા માટેના પ્રતિક્ષા સમયમાં ઘટાડો, દરેક જનસેવા કેન્દ્રોમાં માર્ગદર્શન ડેસ્ક ઉભી કરવી અને નાગરિક-મૈત્રીપૂર્ણ વાતાવરણ ઉભુ કરવામાં આવે તેથી સરકારના સિટીઝન ફર્સ્ટ ના અભિગમને અનુરૂપ નાગરિકોનો સરકાર સાથેનો અનુભવ વધુ સુખદ બને તે માટેની ભલામણો જીએઆરસીએ કરી હતી.
આપણ વાચો: અમિત શાહને બર્થ-ડે વિશ કરવા નેતાઓની લાઈન લાગી, ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવીની પણ હાજરી…
ગ્રામીણ વિસ્તારોમાં વીસીઈની ભૂમિકા મજબૂત બનાવવામાં આવે અને શહેરી વિસ્તારોમાં ઝોન-વાઇઝ સેવા વિતરણ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના માધ્યમથી વધુ કાર્યક્ષમ અને ઝડપી સેવાઓ મળી રહે તે મુજબની ભલામણ પણ કરવામાં આવી હતી.
પંચે રાઇટ ટૂ સિટીઝન પબ્લિક સર્વિસ એક્ટ અંતર્ગત નાગરિક ચાર્ટરના નિયમિત ઓડિટ અને અપડેટ માટે માળખાકીય પ્રક્રિયા સુચવી હતી. ઉપરાંત જનસેવા કેન્દ્રોમાં વધારાની સ્ટાફ પોઝિશનો, કર્મચારીઓ માટે તાલીમ અને નાગરિક સેવાના કલાકોમાં સ્પષ્ટતા જેવી તમામ ભલામણોથી લોકોને ઈઝ ઓફ ગવર્નન્સ મળે તેવી જીએઆરસીના પાંચમાં અહેવાલમાં ભલામણ કરવામાં આવી હતી.
પંચના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ કહ્યું કે, આ અહેવાલ માત્ર ટેક્નોલોજી નહીં પરંતુ સુશાસનની નવી સંસ્કૃતિ છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નાગરિક દેવો ભવના વિચાર સાથે નાગરિક સ્વયં કેન્દ્રસ્થાને રહેશે. આ પહેલ ગુજરાતને ડિજિટલ સુશાસનના નવા યુગમાં લઈ જશે તથા “સરકાર પહોંચશે નાગરિક સુધી, નાગરિક નહીં સરકાર સુધી!” ના મંત્ર સાથે નાગરિક સેવામાં ક્રાંતિ તરફ ગુજરાત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં હરણફાળ ભરશે.



