ગુજરાતની વધુ એક સિદ્ધિ, દેશમાં પ્રોસેસ્ડ બટાટાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય બન્યું

ગાંધીનગર: ગુજરાત પ્રોસેસ્ડ બટાટાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય બન્યું છે. જેની સાથે ફ્રેન્ચ ફ્રાઈસ અને ચિપ્સનું સૌથી મોટું નિકાસકાર પણ બન્યું છે. આ સફળતા ઉત્તર ગુજરાત માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC)માં પણ ઝળકશે જે આગામી 9-10 ઓક્ટોબર 2025ના રોજ મહેસાણામાં યોજાશે.ભારતમાં પ્રોસેસ્ડ બટાટાના ઉત્પાદનમાં ગુજરાત બાદ ઉત્તર પ્રદેશ અને પંજાબ રાજ્ય અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ગુજરાતમાં અનુકૂળ હવામાન હોવાને કારણે ફ્રોઝન બટાટાના ઉત્પાદનને પ્રોત્સાહન મળ્યું છે. હાઇફન ફૂડ્સ, મૅકકેઇન ફૂડ્સ અને ઇસ્કોન બાલાજી ફૂડ્સ જેવા અગ્રણી ઉત્પાદકોએ ઉત્તર ગુજરાતમાં પોતાના એકમો સ્થાપિત કર્યા છે.
37,000 હેક્ટર વાવેતર વિસ્તાર
2004-05માં પ્રોસેસ્ડ બટાટાનું ઉત્પાદન 1 લાખ ટનથી ઓછું હતું અને માત્ર 4000 હેક્ટર જેટલો વાવેતર વિસ્તાર હતો. છેલ્લા 2 દાયકામાં પ્રોસેસ્ડ બટાટાનું ઉત્પાદન 10 ગણું વધ્યું છે અને 37,000 હેક્ટર વાવેતર વિસ્તાર સાથે 11.50 લાખ ટન સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત, ઉત્પાદન વિસ્તારમાં પણ નવ ગણો વધારો થયો છે અને વધુ ખરીદીને કારણે સ્થાનિક ખેડૂતોને નોંધપાત્ર ફાયદો થયો છે.
48.59 લાખ ટન બટાટાનું ઉત્પાદન
ગુજરાત જે પ્રોસેસિંગ-ગ્રેડ બટાટાની ખેતી કરે છે તેને ફ્રેન્ચ ફ્રાઈસ, ચિપ્સ અથવા ફ્રોઝન ફૂડ બનાવતા દેશભરના પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગોને મોટા પાયે સપ્લાય કરવામાં આવે છે. વર્ષ 2024-25માં ગુજરાતે 48.59 લાખ ટન બટાટાનું ઉત્પાદન કર્યું હતું જેમાં લગભગ 25 ટકા થી વધુ લેડી રોસેટા અને બાકી કુફરી બટાટાનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. પ્રોસેસ્ડ ગ્રેડ બટાટાના કુલ ઉત્પાદનમાંથી લગભગ 60 ટકા વેફર માટે અને લગભગ 40 ટકા ફ્રેન્ચ ફ્રાય પ્રોડક્શન માટે વપરાય છે. આમાં સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓનો મુખ્ય ફાળો છે. જે ભારતમાં ફ્રેન્ચ ફ્રાઈસ અને વેફરની વધતી માંગને પૂરી કરી રહ્યા છે.
બટાટાના ઉત્પાદન સાથે બનાસકાંઠા રાજ્યમાં પ્રથમ ક્રમે
વર્ષ 2022-23માં બનાસકાંઠા જિલ્લામાં 53,548 હેક્ટરના વાવેતર વિસ્તારમાં 15.79 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું, એટલે કે તેની ઉત્પાદકતા 29.5 ટન પ્રતિ હેક્ટરની હતી. વર્ષ 2023-24માં 52,089 હેક્ટર વિસ્તારમાં 30 ટન પ્રતિ હેક્ટરની ક્ષમતા સાથે 15.62 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું. આ આંકડો વર્ષ 2024-25માં 18.70 લાખ ટન સુધી પહોંચી ગયો છે, જે ગુજરાતમાં કોઈ જિલ્લામાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન છે. આ સમયગાળામાં 61,016 હેક્ટર વાવેતર વિસ્તારમાં 30.65 ટન પ્રતિ હેક્ટરની ઉત્પાદકતા નોંધાઈ હતી.
સાબરકાંઠા 12.97 લાખ ટન અને અરવલ્લીમાં 6.99 લાખ ટન ઉત્પાદન
બનાસકાંઠા બાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં પણ બટાટાનું વિપુલ ઉત્પાદન થયું છે. સાબરકાંઠામાં વર્ષ 2024-25માં 37,999 હેક્ટર વિસ્તારમાં 34.13 ટન/હેક્ટરની ક્ષમતા સાથે 12.97 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું. અરવલ્લી જિલ્લામાં અન્ય જિલ્લાની સરખામણીએ બટાટાની ખેતી તાજેતરના વર્ષોમાં શરૂ થઈ છે તેમ છતાં આ જિલ્લાએ રાજ્યના કુલ બટાટાના ઉત્પાદનમાં નોંધનીય ફાળો આપ્યો છે.
કુલ 67 સક્રિય વેરહાઉસ
વર્ષ 2024-25માં અરવલ્લીમાં 20,515 હેક્ટર વિસ્તારમાં 34.05 ટન/હેક્ટરની ક્ષમતા સાથે 6.99 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું. ઉત્તર ગુજરાતમાં કોલ્ડ સ્ટોરેજ સહિત કુલ 67 સક્રિય વેરહાઉસ છે, જે ભારત સરકારના વેરહાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટીમાં નોંધાયેલા છે. બનાસકાંઠામાં 16, સાબરકાંઠા અને અરવલ્લીમાં 10, મહેસાણામાં 30 અને પાટણમાં 11 વેરહાઉસ છે.
આ પણ વાંચો…ગુજરાત બન્યું ‘પોટેટો પાવરહાઉસ’: 48.59 લાખ ટન ઉત્પાદન સાથે બનાસકાંઠા મોખરે