ગાંધીનગર

ગુજરાતના હરિયાળુ બનાવવા અનોખી પહેલ, આ રીતે 7 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર

ગાંધીનગરઃ ભારત સહિત વિશ્વભરમાં ‘કલાયમેટ ચેન્જ’ની સમસ્યાના પરિણામલક્ષી ઉકેલ માટે અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં,વન-પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયા અને રાજ્ય પ્રધાન પ્રવીણભાઈ માળીના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને જનભાગીદારી એટલે કે PPP મોડલથી મહત્તમ વૃક્ષ વાવવા-ઉછેરવાની સાથે વિવિધ સ્વરૂપે ગ્રીન કવર- કવચ ઉભું કરવામાં આવી રહ્યું છે.

વન વિભાગની સાથેસાથે ખાનગી ઔદ્યોગિક એકમો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વૃક્ષપ્રેમીઓ થકી ગુજરાતને હરિયાળું બનાવવા વિવિધ અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં ગ્રિન કવર વધારવાના ધ્યેય સાથે PPP મોડલથી અંદાજે કુલ ૭ લાખથી વધુ વૃક્ષો વાવીને ઉછેરવામાં આવી રહ્યા છે. અનોખી પહેલ બદલ કલાયમેટ ચેન્જ વિભાગ દ્વારા તાજેતરમાં આ સંસ્થાઓનું રાજ્ય કક્ષાએ એવોર્ડ આપી સન્માન પણ કરવામાં આવ્યું છે.

આપણ વાચો: અમદાવાદને ‘ગ્રીન સિટી’ બનાવવાની નેમ: 40 લાખ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક

પર્યાવરણ બચાવવાની અનોખી ઝુંબેશ સાથે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડની SRK નેટ ઝીરો- એમિશન, એનર્જી, વોટર અને વેસ્ટની ઔદ્યોગિક એકમ કેટેગરી અંતર્ગત એવોર્ડ અપાયો છે. આ કંપનીએ નવસારી, ઉભરાટ અને નિમલાઈ ગામોમાં ૧.૭૫ લાખથી વધુ વૃક્ષારોપણ કર્યુ છે.

વધુમાં કંપનીએ બંને ઓફિસને ૬ મેગાવોટ સોલાર પ્લાન્ટથી સંચાલિત કરીને નેટ ઝીરો ઊર્જા અને ઉત્સર્જન હાંસલ કરવાની સાથે DQS ઇન્ડિયા દ્વારા કાર્બન ફૂટપ્રિન્ટની માન્યતા મેળવી છે. પાણી સંરક્ષણ માટે ૧૦૦ KLD ક્ષમતા ધરાવતી ગંદા પાણીની શુદ્ધિકરણ સિસ્ટમ અને ૭ બોરવેલ રિચાર્જ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. “ગીતા વાટિકા” પ્રોજેક્ટ હેઠળ તળાવોના પુનઃજીવન માટેનું કાર્ય હાથ ધર્યું છે.

જ્યારે ડો. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનને સમુદાય આધારિત વૃક્ષારોપણ અને સહભાગી પાણી વ્યવસ્થાપન માટે જન જાગૃતિ કેટેગરી અંતર્ગત એવોર્ડ આપવામાં આવ્યો છે. વન સપાટી અભિયાન હેઠળ, VSSM સાથે ભાગીદારીમાં બનાસકાંઠામાં ૨૩, સાબરકાંઠા-૧૩ અને પાટણમાં બે સહિત ૩૮ સ્થળોએ કુલ ૪.૪૪ લાખથી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા છે.

આપણ વાચો: સેવ અર્થ મિશનને 2040 સુધીમાં 3000 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો, તળાજાથી કરી શરૂઆત

“એક બાળક, એક વૃક્ષ” કાર્યક્રમ હેઠળ ૧,૦૦૦ શાળાઓમાં ૫૦ હજાર વૃક્ષો રોપાયા, જેમાંથી ૪૦ હજાર વૃક્ષો આજે પણ ફળફૂલ આપી રહ્યા છે. ઉપરાંત આ સંસ્થાએ છેલ્લા ત્રણ વર્ષમાં, બનાસકાંઠામાં ૧૬, સાબરકાંઠા ૩૧, મહેસાણા ૧૨, પાટણ અને ગાંધીનગરમાં એક-એક એમ કુલ ૬૧ તળાવોને ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી છે.

જેનાથી ૬૩.૮૦ કરોડ લિટર પાણી સંગ્રહ ક્ષમતા વધારીને ૬.૩૮ લાખ ઘન મીટર માટી કાઢવામાં આવી છે જેના પરિણામે ૬૧ ગામોમાં ૧.૩૪ લાખથી વધુ ગામજનોને લાભ થયો છે.

વૃક્ષપ્રેમી વિજેશભાઈ ગામિતની વૃક્ષારોપણ અને સ્વચ્છ અભિયાનમાં વ્યક્તિગત કેટેગરી અંતર્ગત એવોર્ડ આપવામાં આવ્યો છે. તેઓએ પ્રેરણાદાયી “બીજમાથી તું વૃક્ષા થા” અભિયાન હેઠળ છેલ્લા ૧૦ વર્ષમાં કાવલા ગામ અને આસપાસના જંગલ વિસ્તારોમાં ૨૫ હજારથી વધુ વૃક્ષો વાવ્યા છે.

આપણ વાચો: આ વર્ષે રાજ્યમાં દસ કરોડ વૃક્ષો વાવવામાં આવશે: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની જાહેરાત

તેમણે શાળાના બાળકોને તહેવારો અને ઉજવણી દરમિયાન છોડ વિતરણ કર્યા છે. પર્યાવરણ શિક્ષણ માટે અનેક શાળાઓમાં સેમિનાર યોજાયા અને આંગણવાડી કેન્દ્રોમાં દરેક બાળકને એક છોડ આપીને પ્રારંભિક પર્યાવરણીય જવાબદારી વિકસાવી. તેઓ શાળાના પ્રવેશોત્સવ દરમિયાન દર વર્ષે વૃક્ષ વિતરણ કરે છે.

આ ઉપરાંત ભરતકુમાર ધીરાભાઇ વાલાણીની ‘સુખનાથ વન’ વિષય અંતર્ગત જન જાગૃતિ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેમના નેતૃત્વ હેઠળ મિયાવાકી પદ્ધતિથી ૨૦ હજારથી વધુ વૃક્ષોનું રોપણ કરીને સુખનાથ વન બનાવવામાં આવ્યુ છે, જે ટ્રસ્ટ અને સક્રિય જનસહભાગિતાના સહયોગથી શક્ય બન્યું છે. આ વનને ડિજિટલ ફોરેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

જ્યારે નરોડા એન્વાયરો પ્રોજેક્ટ્સ લિમિટેડની વેસ્ટ વોટર CETP પ્લાન્ટ ઔદ્યોગિક એકમ કેટેગરી અંતર્ગત એવોર્ડ માટે પસંદગી પામી છે. આ કંપની પ્રદૂષિત પાણીનું શુદ્ધીકરણ માટેનો પ્લાન્ટ ચલાવતી ઔદ્યોગિક સંસ્થા છે, જેમાં ૨૦૦ જેટલા ઉદ્યોગો સભ્ય છે અને તેમનું પ્રદૂષિત પાણી કંપની દ્વારા શુદ્ધીકરણ માટે એકત્રિત કરવામાં આવે છે.

આ કંપની ઘન અને પ્રવાહી કચરાનું નિકાલ અને નિયમન તથા વ્યવસ્થાપન કરે છે. કંપનીમાં ૩,૦૦૦થી વધુ છોડ અને વૃક્ષો વાવવામાં આવ્યા છે, જે ૮,૦૦૦ ચોરસ મીટરમાં ગ્રીન બેલ્ટ ધરાવે છે.

કરાઈ ગામ, મહેસાણા જિલ્લામાં ૪.૫ MWh ક્ષમતા ધરાવતી સોલાર એનર્જી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જે CETP નરોડા હેડ ઓફિસમાં ઉપયોગમાં લેવાય છે અને દર મહિને અંદાજે રૂ. ૬૦ લાખની વીજળી બચત થાય છે. કંપની દ્વારા ૩૬ એકર જમીન પર એક ઇકો પાર્ક વિકસાવવામાં આવ્યો છે, જ્યાં ૨૪ લાખ મેટ્રિક ટન જૂના ઘન કચરાને વૈજ્ઞાનિક રીતે ઢાંકીને ગ્રીન પાર્કમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે.

આમ, રાજ્ય સરકાર અને પબ્લિક પ્રાઈવેટ પાટનરશિપ-PPP મોડલથી કુલ ૭ લાખથી વધુ વૃક્ષો વાવીને ગુજરાતને વધુને વધુ હરિયાળું બનાવવા સંયુક્ત ભાગીદારીથી નોંધપાત્ર કાર્ય થઇ રહ્યું છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button