ગુજરાતમાં ધોરણ 8માં અભ્યાસ કરતા 2.18 લાખ વિદ્યાર્થીઓએ શિષ્યવૃતિની પરીક્ષા આપી…

ગાંધીનગર: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ (એનએમએમએસ) પરીક્ષા યોજાઈ હતી. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-8માં અભ્યાસ કરતા કુલ 2 લાખ 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. આ પરીક્ષા રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં આવેલા કુલ 861 પરીક્ષા કેન્દ્રોમાં 7604 બ્લોકમાં પરીક્ષા આપી હતી. રાજ્યભરમાંથી કુલ 2,18,305 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભર્યા હતા.
વિદ્યાર્થીઓને મેરિટના આધારે પસંદગી કરવામાં આવે
અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે એનએમએમએસ શિષ્યવૃત્તિની મહત્વપૂર્ણ પરીક્ષા છે. આ પરીક્ષા દ્વારા બાળકોને ચાર વર્ષ માટે દર મહિને એક હજાર રૂપિયા મુજબ શિષ્યવૃત્તિ મળે છે. એનએમએમએસ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત વાલીની વાર્ષિક આવક સાડા ત્રણ લાખ રૂપિયાથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને મેરિટના આધારે પસંદગી કરવામાં આવે છે.
48 હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે
આ પરીક્ષા બાદ રાજ્યના કુલ 5097 વિદ્યાર્થીઓની મેરિટ મુજબ પસંદગી થશે. પસંદ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ-9 થી 12 સુધી દર વર્ષે 12 હજાર રૂપિયા મુજબ કુલ 48 હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે.



