બગસરાની ઘટના બાદ સરકાર જાગી; બાળકોનાં મોબાઈલ-સોશિયલ મીડિયાના ઉપયોગ મુદ્દે માર્ગદર્શિકા બનાવશે

અમદાવાદઃ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ ઓનલાઈન ગેમની લતે ચડી જતાં તેમના માનસ પર ખરાબ અસર વર્તાઈ રહી છે. તાજેતરમાં જ અમરેલીમાં ગેમના રવાડે ચઢેલા એક વિદ્યાર્થીએ હાથમાં કાપા મારવા 10 રૂપિયાની ઓફર કરતાં સ્કૂલના 40 વિદ્યાર્થીઓએ બ્લેડથી હાથમાં કાપા માર્યા હતાં. આ ઘટના બાદ રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફૂલ્લ પાનશેરિયાએ અમદાવાદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, બાળકો દ્વારા થતા મોબાઈલના અને સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે સરકાર બૌદ્ધિકો સાથે ચર્ચા કર્યા બાદ એક એસઓપી તૈયાર કરશે.
આ પણ વાંચો: અમરેલીઃ બગસરામાં 40 વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગેમના ચક્કરમાં હાથ અને પગ પર બ્લેડના કાપા માર્યા
શિક્ષણ મેળવીને બાળકો વિવેકી અને વ્યસનમુક્ત બને એ જરૂરી
અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ વાલીઓ દ્વારા બાળકોને અભ્યાસ બાબતે કરાતા પ્રેશર મુદ્દે ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બાળકને વધુ ટકાવારી લાવવા માટે પ્રેશર કરીને વાલીઓ તેના દુશ્મન બની રહ્યાં છે. બાળકો શિક્ષણ મેળવીને ડોકટર કે એન્જિનિયર નહીં પણ સહકારી, વિવેકી અને વ્યસનમુક્ત બને એ જરૂરી છે. તેમણે ઓનલાઈન વીડિયો ગેમની બાળકોના માનસ પર પડતી નેગેટિવ અસરને લઈ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, બાળકો દ્વારા થતા મોબાઈલના અને સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે સરકાર બૌદ્ધિકો સાથે ચર્ચા કરી રહી છે. ત્યારબાદ એક એસઓપી તૈયાર કરાશે.
સરકાર બનાવશે માર્ગદર્શિકા
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બાળકો મોબાઇલમાં ઓનલાઈન ગેમની ખરાબ અસરના કારણે બ્લેડથી શરીર પર ઘા મારે છે. વીડિયો ગેમ જોઈને બાળકો હિંસાત્મક પ્રવૃત્તિ કરે છે. બાળકોને રોકવા માટે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સીએમ નિષ્ણાતો સાથે સંવાદ કરી રહ્યા છે. આ અંગે માર્ગદર્શિકા બનાવવામાં આવશે. જે ટૂંક સમયમાં સરકાર દ્વારા જાહેર કરાશે.
અત્યારે યુવાનો ડિપ્રેશન અને ડ્રગ્સનો શિકાર બની રહ્યા છે.જેના કારણે યુવાધનને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ અને યોગ્ય શિક્ષણ આપવું જોઈએ. માતાપિતા બાળકને પ્રેશર કરીને અત્યારથી જ 90 ટકા લાવવાનો ટાર્ગેટ આપે છે. જેના કારણે માતા-પિતા બાળકના દુશ્મનો બને છે. બાળક જાત મહેનત કરે અને આગળ આવે તે વધુ મહત્ત્વનું છે. બાળકને પ્રેમ અને સદભાવનાનું વાતાવરણ મળી રહે તેવું કરવું જોઈએ.