GPSC માં 139 મદદનીશ ઇજનેરોની ભરતી! આ તારીખ પહેલા કરો ઓનલાઈન અરજી!

ગાંધીનગર: ગુજરાતના યુવાનો માટે સરકારી નોકરીની સુવર્ણ તક આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં મદદનીશ ઇજનેર (વિદ્યુત), સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-2 ની કુલ 139 જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકશે.
શૈક્ષણિક લાયકાત અને પગારધોરણ
આ પદ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ઇજનેરી (વિદ્યુત) અથવા ટેકનોલોજી (વિદ્યુત) માં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા ફરજિયાત છે. પસંદગી પામનાર ઉમેદવારોને રૂ. 44,900 થી રૂ. 1,42,400 (લેવલ-8) ના આકર્ષક પગારધોરણનો લાભ મળશે.
પરીક્ષા પદ્ધતિ અને મહત્વની તારીખો
ભરતી પ્રક્રિયામાં પ્રાથમિક કસોટીનો સમાવેશ થાય છે, જેમાં બે પ્રશ્નપત્રો રહેશે:
(1) સામાન્ય અભ્યાસ: 100 ગુણનું (60 મિનિટ)
(2) સંબંધિત વિષય (ઇલેક્ટ્રિકલ): 200 ગુણનું (120 મિનિટ)
પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે ઓછામાં ઓછા 15% ગુણ મેળવવા ફરજિયાત છે, અન્યથા તેઓ રૂબરૂ મુલાકાત (ઇન્ટરવ્યુ) માટે પાત્ર ગણાશે નહીં. પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ 5 ઓક્ટોબર, 2025 છે. આખરી પરિણામ રૂબરૂ મુલાકાત પૂર્ણ થયાના 10 કામકાજના દિવસોમાં પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ આયોગની જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે.
અરજી પ્રક્રિયા અને ફી
આ પદ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 25 જૂન, 2025 (બપોરે 1:00 કલાક) થી 9 જુલાઈ, 2025 (રાત્રે 11:59 કલાક) સુધીમાં GPSC ની ઓફિશિયલ વેબસાઇટ https://gpsc-ojas.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જો કે અરજી પ્રક્રિયામાં સામાન્ય કેટેગરી (બિન-અનામત) ના ઉમેદવારો માટે અરજી ફી રૂ. 100/- + પોસ્ટલ/સર્વિસ ચાર્જ રહેશે. મૂળ ગુજરાતના અનામત કક્ષાના, આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી. ગુજરાત રાજ્ય સિવાયના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત ફી ભરવાની રહેશે.
અત્રે ખાસ નોંધવું રહ્યું કે જાહેરાતમાં નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાને આધિન, આયોગ દ્વારા નિયત થયેથી પ્રાથમિક કસોટીમાં ઉપસ્થિત રહેવા અંગેનું “સંમતિપત્રક” ઉમેદવારોએ ભરવાનું રહેશે અને તે અંગેની નિયત થયેલ ફી “ડિપોઝિટ” તરીકે ઉમેદવારોએ ભરવાની રહેશે.