ફોરેસ્ટ ભરતીમાં શારિરીક કસોટીમાં કુલ જગ્યાના 25% ઉમેદવારો બોલાવવા સરકાર સંમત
ગાંધીનગર: ગુજરાતમાં ખૂબ જ વિવાદમાં રહેલી ફોરેસ્ટર ભરતીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સરકારે વન રક્ષકની ભરતીમાં શારીરિક કસોટી માટે 8 ટકા ઉમેદવારોને બદલે 25% ઉમેદવારોને બોલાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે ગાંધીનગરમાં જ ચાલી રહેલા આંદોલનની માંગ હતી કે વિદ્યાર્થીઓના માર્કસ પણ જાહેર થાય તે બાબતે પણ સરકારે હકારાત્મક વર્ણન દાખવ્યું છે.
હાલ પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફોરેસ્ટ ભરતીને લઈને મુખ્યમંત્રી કક્ષાએ બેઠકનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય વનરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટર ફોર્સ માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે પરીક્ષા બાદના પરિણામોથી સતત વિવાદોમાં રહી હતી.
ફોરેસ્ટની ભરતીમા શારીરિક કસોટી માટે કુલ જગ્યાના 8 ગણા ઉમેદવારોને બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આ માટે જિલ્લા વાઇઝ, કેટેગરીવાઈઝ અને મેરીટના આધારે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી 31 જુલાઈના રોજ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ આ ભરતી પ્રક્રિયાને લઇને ભારે વિરોધ મચ્યો હતો.
ગુજરાતમાં વનવિભાગની ભરતીની 2022માં જાહેરાત બાદ 8થી 27મી ફેબ્રુઆરી 2024માં પરીક્ષા લેવાઇ હતી. જેમાં 823 પદ માટે આઠ લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને ચાર લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગત અઠવાડિયે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં CBRT (Computer Based Recruitment Test) પરીક્ષા પદ્ધતિને કારણે ઉમેદવારોને અન્યાય થયો હોવાની વાત બહાર આવી હતી. જેના કારણે ઉમેદવારોએ સરકાર સામે રાજ્યભરમાં મોરચો માંડ્યો હતો અને આવેદનપત્રો અને રજૂઆતોની શરૂઆત કરી દીધી હતી. આ ઉમેદવારો સોમવારે ગાંધીનગર સેક્ટર 11 ખાતે આવેલા રામકથા મેદાનમાં એકઠા થયા હતા.