મેવાણી Vs સંઘવીઃ ગોપાલ ઈટાલિયાએ ગૃહ પ્રધાન મુદ્દે કર્યાં ચોંકાવનારા ખુલાસા

ગાંધીનગરઃ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને મોટા ખુલાસા કર્યા હતા. ઇટાલિયાએ કહ્યું કે હર્ષ સંઘવી સત્તામાં છે એટલે મોટી વાતો કરે છે, પણ તેમના સંસ્કારોની હકીકત અલગ છે.
સપ્ટેમ્બર 2013માં, જ્યારે નરેન્દ્ર મોદીને વડા પ્રધાનના ચહેરા તરીકે જાહેર કરાયા ત્યારે, હર્ષ સંઘવી (તત્કાલીન ધારાસભ્ય) અને અન્યોએ જાહેર રસ્તા પર ફટાકડા ફોડ્યા હતા. લોકોની ફરિયાદ પર ઘટનાસ્થળે પહોંચેલા PSI સાથે હર્ષ સંઘવીએ કથિત રીતે મારામારી કરી અને અપશબ્દો કહ્યા, જેના કારણે તેમની સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ થઈ હતી.
જોકે, ઇટાલિયાનો દાવો છે કે FIR નોંધાયા બાદ તત્કાલીન PSI અને તપાસ અધિકારી PIની બદલી કરી દેવાઈ હતી. ત્યારબાદ કેસમાંથી મારામારી સહિતની ગંભીર કલમો દૂર કરી દેવામાં આવી અને માત્ર જાહેરનામા ભંગનો સામાન્ય ગુનો જ રાખવામાં આવ્યો હતો. ઇટાલિયાએ કહ્યું કે આ કેસની વિગતો આજે પણ સરકારી વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે 2019માં જ્યારે હર્ષ સંઘવી સામાન્ય ધારાસભ્ય હતા, ત્યારે સિવિલ હોસ્પિટલમાં એક સરકારી કર્મચારીને તેમણે કથિત રીતે ધમકી આપી હતી કે, મારી સામે હોંશિયારી કરતો નહિ નહીંતર તારા ટાંટિયા ભાંગી નાખીશ. આ નિવેદન પર સંઘવીએ પછતાવો ન હોવાનું પણ કહ્યું હતું.
ગોપાલ ઇટાલિયાએ ભારપૂર્વક જણાવ્યું કે, હર્ષ સંઘવીએ સરકારી કર્મચારીને ‘ટાંટિયા તોડી નાખવાની’ જેવી ગંભીર ધમકી આપી હતી, જ્યારે જીગ્નેશ મેવાણીએ ફક્ત ‘પટ્ટા ઉતરી જશે’ જેવી સામાન્ય વાત કરી છે. ઇટાલિયાના મતે, સંઘવીએ સંસ્કારની વાત કરવી ન જોઈએ.
આપણ વાચો: ગોપાલ ઇટાલિયા ફરી વિવાદમાં: હડમતીયા ગામે દીવાલ વિવાદમાં AAP-BJP આમને સામને…
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદનને લઈ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પાટણમાં પોલીસ પરિવાર અને સમર્થકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મેવાણી હાય હાય ના નારા લગાવવામાં આવ્યા હતા. આ સાથે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ જીગ્નેશ મેવાણી સામે વિરોધ જોવા મળ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસના પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો હતો ત્યારે બાદ પોલીસ પરિવારની પ્રતિક્રિયા આવી હતી.
જેમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસ તંત્રને અપમાનિત કરાતા શબ્દોનો ઉપયોગ કરી લાગણી દુભાતા શબ્દોનો ઉપયોગ કરાતા પોલીસ વિભાગમાં રોષ છે, પોલીસ તંત્રને ઉશ્કેરણી જનક શબ્દો વાપરવાના મુદ્દે પાટણ કલેકટરઆવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પોલીસ પરિવારના આક્રોશ બાદ હવે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં અનેક લોકો રસ્તા પર ઉતર્યા હતા. પાટણ જિલ્લામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સમર્થન મળ્યું હતું.
પાટણ જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકાર મંચના આગેવાનો કાર્યકરોએ રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈ, ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. જેમાં લિસ્ટ આપ્યા બાદ પણ પોલીસ કાર્યવાહી નહીં કરે તો જનતા રેડ કરવાની ચીમકી આપવામાં આવી હતી.



