ભાઈ-બહેનના ઝઘડામાં ગુંડાની એન્ટ્રી: હિદાયત ખાને NRIને લાફા મારી ‘જીવતો સળગાવી દેવાની’ ધમકી આપી

ગાંધીનગર: શહેરના કુડાસણ વિસ્તારમાં આવેલ એક કોફી શોપમાં મિલકતના વિવાદે ઉગ્ર સ્વરૂપ લીધું હતું. અમેરિકાના નાગરિક અને ગાંધીનગરમાં સસરાના ઘરે રહેતા એક વેપારીએ પોતાની બહેન સાથે સમાધાન માટે બોલાવેલી મીટિંગમાં ‘હિદાયત ખાન પઠાણ’ નામના એક વ્યક્તિએ ધમકી આપી, ગાળો ભાંડીને મોઢા પર લાફા મારી દીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. પીડિતે આ વ્યક્તિ પર જીવતો સળગાવી દેવાની ગર્ભિત ધમકી આપી હોવાનો આરોપ પણ લગાવ્યો છે.
સમાધાન માટે બોલાવ્યા, પણ મળી ધમકી
ઉમંગ કિર્તિકુમાર પંડ્યા (ઉં.વ. 48, મૂળ રહે. કેલિફોર્નિયા, અમેરિકા)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ અમેરિકામાં હોટલ ફર્નિચરનો વ્યવસાય કરે છે અને તાજેતરમાં જ ભારત આવ્યા છે. તેમના અને ગાંધીનગરમાં રહેતા બે બહેનો શીતલબહેન અને તેજલબહેન વચ્ચે ગાંધીનગર સેક્ટર-૨/ડી ખાતેની માતાની માલિકીના મકાનના હક્ક-હિસ્સા બાબતે કોર્ટ કેસ ચાલી રહ્યો છે. ઉમંગ પંડ્યાએ આ મામલે સમાધાન કરવાના ઈરાદાથી ૨૭/૦૯/૨૦૨૫ના રોજ રાત્રે ૯ વાગ્યે રિલાયન્સ ચોકડી નજીક, કુડાસણની સ્ટાર બક્સ કોફી શોપ ખાતે બહેન તેજલબહેનને બોલાવ્યા હતા.
‘બંદૂકની અણીએ કામ કરાવેલ છે’ કહી લાફા માર્યા
રાત્રે ૯:૩૦ વાગ્યે ઉમંગના બહેન તેજલબહેન તેમની સાથે એક અજાણ્યા વ્યક્તિ સાથે આવ્યા હતા, જેની ઓળખ પાડોશી રાજુભાઈ તરીકે અપાઈ હતી. જોકે, ચર્ચા દરમિયાન આ વ્યક્તિ ઉમંગને ધમકાવવા લાગ્યો હતો. ફરિયાદમાં જણાવાયું છે કે, આ વ્યક્તિએ ઉમંગને SSRDC કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લેવા ગર્ભિત ધમકી આપી અને દાવો કર્યો કે તેણે ‘આઇ.એસ. ઓફિસરનું કામ બંદૂકની અણીએ કરાવેલું છે.’ જ્યારે ઉમંગે ભાઈ-બહેનની ચર્ચામાં ન પડવા જણાવ્યું, ત્યારે તે વ્યક્તિ ઉશ્કેરાઈ ગયો અને પોતાનું નામ ‘હિદાયત ખાન પઠાણ’ હોવાનું જણાવ્યું, જેના મેસેજીસ ઉમંગને અમેરિકામાં પણ મિલકત બાબતે ધમકીરૂપે મળતા હતા.
હિદાયત ખાને ઉમંગને ગાળો ભાંડી અને મોઢા પર ત્રણ લાફા માર્યા હતા. તેણે દાવો કર્યો કે તેણે જ ઉમંગની બહેનને કેસ લડવા માટે પૈસા આપ્યા છે અને આ મિલકત તેની જ છે. હિદાયત ખાને ઉમંગને ધમકી આપી કે, “હું આવી તકરારી મિલકતોનું જ કામ લઉં છું અને મારી પાસે મોટી ગેંગ છે. તું ચુપચાપ નિકાલ લાવી દેજે, નહીં તો તને પણ જીવતો સળગાવી ઠેકાણે પાડી દઇશ.” ધમકી બાદ હિદાયત ખાન પઠાણ ઉમંગના બહેન સાથે જતો રહ્યો હતો, અને જતા-જતા પણ ધમકી આપી કે “મેટરનો નિકાલ લાવ્યા સિવાય અમેરિકા જતો નહીં, નહીંતર અમેરીકા જઈ શકે તેવો રાખીશ નહીં.”
ભયભીત થયેલા ઉમંગ પંડ્યાએ તાત્કાલિક તેમના મિત્ર અને ૧૧૨ જનરક્ષક પોલીસ વાનને ફોન કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉમંગ પંડ્યાએ હિદાયત ખાન પઠાણ વિરુદ્ધ ગાળો ભાંડી, માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવી છે.
આપણ વાંચો: કોંગ્રેસમાંથી આવેલા મોઢવડિયા સહિતના ક્યા ધારાસભ્યો બની શકે પ્રધાન ?