વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં ચોથા ગ્લોબલ RE-INVEST એક્સ્પો -2024નો કરાવશે આરંભ
RE-INVEST-2024ની તૈયારીઓની સમીક્ષા કરવા કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ કાર્યક્રમ સ્થળ (મુખ્ય કનવેંશન હોલ) તેમજ એક્ઝીબિશન હોલ સહિતની તમામ વ્યવસ્થાઓની જાત મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી. ગાંધીનગર ખાતે આગામી તા. 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ચોથા ગ્લોબલ RE-INVEST રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો-2024નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરાવશે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય તેમજ ગુજરાત સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને કાર્યક્રમલક્ષી વિવિધ બાબતોની તલસ્પર્શી માહિતી મેળવી હતી. નાગરિકોની ભાગીદારી વધારવા તેમજ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવવા મંત્રીશ્રીએ જરૂરી સૂચનો પણ કર્યા હતા.
આ પણ વાંચો: ગ્લોબલ ઈન્વેસ્ટરો ભારતને જોઈ રહ્યા છે, આ સુવર્ણતક ગુમાવશો નહીં: વડા પ્રધાન
આ બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ગુજરાત સરકારના પ્રોએક્ટિવ એપ્રોચની સરાહના કરી હતી તેમજ સંપૂર્ણ સહયોગ માટે ગુજરાત સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય મંત્રીશ્રીની મુલાકાત દરમિયાન ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયના સચિવ ભૂપિંદરસિંઘ ભલ્લા તેમજ ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર ઉપરાંત GUVNLના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે, ભારત સરકાર તરફથી નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયના સંયુક્ત સચિવ લલિત બોહરા તેમજ ગુજરાત સરકાર તરફથી UGVCLના મેનેજિંગ ડિરેક્ટર અરુણ મહેશ બાબુએ તૈયારીઓ અંગે પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું.