ગિફ્ટ સિટીમાં ઇન્ફોસિસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો પ્રારંભ, 1000 પ્રોફેશનલ્સને મળશે રોજગારી...
ગાંધીનગર

ગિફ્ટ સિટીમાં ઇન્ફોસિસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો પ્રારંભ, 1000 પ્રોફેશનલ્સને મળશે રોજગારી…

ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્ય પ્રધાને રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રણાલી સ્થાપિત કરીને એ.આઇ. ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાની નેમ વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં એ.આઇ. સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત કરીને રાજ્યમાં નવા સોલ્યુશન બનાવનારા એક્સપર્ટસ, પ્રોફેશનલ્સ અને સ્ટાર્ટ-અપ્સને એક સાથે લાવવાનું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે.

ઇન્ફોસિસ દ્વારા ગિફ્ટ સિટીમાં કાર્યરત થયેલું આ ડેવલોપમેન્ટ સેન્ટર ફિન્ટેક ફ્રેમવર્ક અન્વયે અતિ આધુનિક નાણાંકીય ટેકનોલોજીના સોલ્યુશન પુરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. એટલું જ નહીં, ગ્લોબલ સર્વિસીસ અને ઇનોવેશન પર પણ વિશેષ ભાર અપાશે.

આ ઉપરાંત નાણાકીય સંસ્થાઓ માટે ખાસ તૈયાર કરાયેલ અદ્યતન એનાલિટિક્સ, મશીન લર્નિંગ અને AI-સંચાલિત ઇનસાઇટ્સ પૂરી પાડવામાં આવશે અને ડિજિટલ પેમેન્ટ, સ્માર્ટ કરારો અને એસેટ ટોકનાઇઝેશન માટે સુરક્ષિત, પારદર્શક સોલ્યુશનનું એનાલિસ પણ કરવામાં આવશે. 32 કરોડ રૂપિયાના રોકાણ સાથે કાર્યરત થયેલું ઇન્ફોસિસનું આ ડેવલપમેન્ટ સેન્ટર અંદાજે 1,000 થી વધુ પ્રોફેશનલ્સને રોજગારીના અવસર પણ પૂરા પાડશે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ ડેવલપમેન્ટ સેન્ટર ગુજરાતમાં શરૂ કરવા માટે ઇન્ફોસિસનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે વડા પ્રધાનના આગવા વિઝનથી શરૂ થયેલું ગિફ્ટ સિટી દેશનું ટેક અને ફીનટેક હબ બન્યું છે અને વિશ્વના અનેક અગ્રણી આઇ.ટી., ફિનટેક તેમજ ન્યૂ એજ ટેકનોલોજીના એકમો ગિફ્ટ સિટીમાં કાર્યરત છે. પાછલા 11 વર્ષમાં દેશમાં આઇ.ટી. આધારિત ઉદ્યોગો, સેમીકંડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રને વિશેષ પ્રોત્સાહન આપવા પોલીસીઝ અને મિશન શરૂ થયા છે.

મુખ્ય પ્રધાને કહ્યું કે ભારતને સોફ્ટ પાવર લીડર અને નોલેજ બેઇઝ્ડ ઇકોનોમીમાં અગ્રેસર રાખવામાં ગુજરાત લીડ લેવા સજ્જ છે. તેમણે રાજ્યમાં ઇનોવેશન ક્ષેત્રે યુવાઓનું માર્ગદર્શન કરતી આઈ-ક્રિએટની સ્થાપનામાં ઇન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિની મહત્વપૂર્ણ ભૂમિકાને યાદ કરી હતી.

આપણ વાંચો : આરોગ્ય સમીક્ષા કેન્દ્ર: ગાંધીનગરમાં નવતર પહેલથી ગુજરાતની આરોગ્ય સેવાઓ બનશે વધુ સુદ્રઢ

Back to top button