ગિફ્ટ સિટીની વૈશ્વિક છલાંગ: ટોચના 50 ફાઇનાન્સિયલ સેન્ટર્સમાં 43મું સ્થાન મેળવ્યું

ગાંધીનગર: ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટીએ ગ્લોબલ ફાઈનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ રેન્કિંગની 38મી આવૃત્તિમાં 43મું સ્થાન મેળવ્યું હતું. તેના અગાઉના રેન્કિંગ કરતાં ત્રણ પોઈન્ટમાં સુધારો થયો હતો. ગિફ્ટ સિટીનું ફિનટેક ઇન્ડેક્સમાં પણ એકંદરે રેટિંગ સુધર્યું છે, જ્યાં તે પાંચ સ્થાનની છલાંગ લગાવીને 40માંથી 35મા ક્રમે પહોંચ્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગ્લોબલ ફાઈનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સમાં ગિફ્ટ સિટીનો સતત વધારો આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સમાં ભારતના વધતા પ્રભાવને દર્શાવે છે. એકંદરે અને ફિનટેક બંને રેન્કિંગમાં અમારી પ્રગતિ શહેરની ઇનોવેશન, નિયમનકારી મજબૂતાઈ અને ઓપરેશનલ કાર્યક્ષમતાને જોડવાની ક્ષમતાને પ્રકાશિત કરે છે. આ વધતી ગતિ એ વૈશ્વિક સંસ્થાઓ ગિફ્ટ સિટીમાં એક સ્પર્ધાત્મક અને ભવિષ્ય માટે તૈયાર નાણાકીય હબ તરીકે જે વિશ્વાસ મૂકી રહી છે તેનું પ્રતિબિંબ છે.
આ પણ વાંચો: ગિફ્ટ સિટીમાં ‘મેરા દેશ પહલે’ની ગુંજ: પીએમ મોદીની જીવનયાત્રાએ યુવાનોમાં રાષ્ટ્રભક્તિની નવી ભાવના જગાવી
એશિયા-પેસિફિકમાં ટોચના 15માં સ્થાન
ગિફ્ટ સિટી એશિયા-પેસિફિક ક્ષેત્રના ટોચના 15 નાણાકીય કેન્દ્રોમાં સતત સ્થાન ધરાવે છે અને આ જૂથમાં તે ભારતનું એકમાત્ર નાણાકીય કેન્દ્ર છે. જીએફસીઆઈ 38ના અહેવાલમાં ગિફ્ટ સિટીને વૈશ્વિકસ્તરે ‘વધુ નોંધપાત્ર બનવાની શક્યતા ધરાવતા 15 કેન્દ્રો’માં પણ સામેલ કરવામાં આવ્યું હતું.