જર્મનીના ચાન્સેલરે અડાલજની વાવની મુલાકાત લીધી, સ્થાપત્યકલા નિહાળી પ્રભાવિત થયા

ગાંધીનગર : ગુજરાતની મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ ગાંધીનગરના અડાલજ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક અડાલજની વાવની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓ વાવના બાંધકામ અને નકશી કામને નિહાળી પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે તેમની સાથે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર, ભારત સ્થિત જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેન, કેન્દ્રીય વિદેશ મંત્રાલયના પ્રોટોકોલના ચીફ અમિતકુમાર, ગુજરાત સરકારના પ્રવાસન સચિવ કુલદીપ આર્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અડાલજની વાવ હિંદુ અને મુસ્લિમ સ્થાપત્યકલાનો ઉત્કૃષ્ટ નમૂનો
અડાલજની વાવ હિંદુ અને મુસ્લિમ સ્થાપત્યકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. વાવનો ઈતિહાસ જોઇએ તો 1499 અડાલજ ગામની સીમામાં વસેલા રાણા વીરસંગ વાઘેલાએ પોતાની પત્ની રાણી રૂડીબાઈની ઇચ્છા અનુસાર એક સુંદર વાવ બાંધવાનું આરંભ્યું હતું. વાવનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે યુદ્ધમાં રાણા વીરસંગ શહીદ થયા.જેના પરિણામે નિર્માણ કાર્ય અધૂરું રહી ગયું. જેનું બાકી કામ રાજા મોહમ્મદ બેગડાએ પૂર્ણ કરાવ્યું હતું.

વાવ પાંચ માળ ઊંડી અને ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર
આ વાવ પાંચ માળ ઊંડી છે અને તેમાં ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર ધરાવે છે. જેને શાસ્ત્રીય પરિભાષામાં “જયા પ્રકારની વાવ” તરીકે ઓળખાય છે. વાવ ઉત્તર-દક્ષિણ દિશામાં નિર્મિત છે અને તેની કુલ લંબાઈ આશરે 251 ફૂટ છે. જ્યારે ઉત્તર દિશામાં આવેલા મુખ્ય કૂવાની ઊંડાઈ લગભગ 50 ફૂટ છે.

પીએમ મોદી અને જર્મનીના ચાન્સેલરે પતંગ મહોત્સવમાં વિશેષ હાજરી આપી
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝે પતંગ મહોત્સવમાં વિશેષ હાજરી આપી હતી. બંને નેતાઓએ રિવરફ્રન્ટ પર ઉમટી પડેલા પતંગબાજો અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમજ આકાશમાં લહેરાતા રંગબેરંગી પતંગોના અદભૂત દ્રશ્યોને નિહાળ્યા હતા. આ પ્રસંગે મૈત્રીપૂર્ણ વાતાવરણમાં બંને મહાનુભાવોએ પતંગ ઉડાડવામાં પણ પોતાનો હાથ અજમાવ્યો હતો, જે ઉપસ્થિત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.આ પૂર્વે જર્મન ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝે ઐતિહાસિક સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમ પહોંચતા જ વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું



